મુંબઈઃ ઓટોમોબાઈલ ઉદ્યોગજગતની અગ્રગણ્ય કંપની હ્યુન્ડેઈની ભારતીય પેટાકંપની હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયાએ દેશમાં ઓટોમોબાઈલ બિઝનેસમાં પદાર્પણ કર્યું ત્યારથી લઈને આજ સુધીમાં તેની 10 લાખથી વધારે ભારતમાં નિર્મિત સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (એસયૂવી) કાર ભારતમાં વેચી છે અને નિકાસ પણ કરી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તે ભારતમાં ચાર એસયૂવી વેચે છે – વેન્યૂ, ક્રેટા, ટસ્કન અને કોના ઈલેક્ટ્રિક.
કંપનીના ડાયરેક્ટર (સેલ્સ, માર્કેટિંગ અને સર્વિસ) તરુણ ગર્ગે કહ્યું કે અમારી કંપનીએ બે લાખથી વધુ ‘મેડ ઈન ઈન્ડિયા’ ક્રેટા એસયૂવીની નિકાસ કરી છે. ભારતમાં બિઝનેસ શરૂ કર્યાના અઢી દાયકામાં જ દેશમાં તેમજ નિકાસ બજારમાં 10 લાખ ‘મેક-ઈન-ઈન્ડિયા’ એસયૂવી કાર વેચવાના આપેલા વચનનો અમે પુનરોચ્ચાર કર્યો છે. કંપની હાલ જુદા જુદા સેગ્મેન્ટ્સમાં 10 મોડેલની કાર વેચે છે.