શેરબજારમાં તેજીની હેટટ્રિકઃ સેન્સેક્સ 71,000ને પાર

અમદાવાદઃ સપ્તાહના અંતિમ દિને સ્થાનિક શેરબજારોમાં સાર્વત્રિક લેવાલીએ તેજીની આગેકૂચ થઈ હતી.અમેરિકા ફેડના નિર્ણય પછી શેરબજારમાં તેજીની હેટટ્રિક થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ થયા હતા. નિફ્ટી બેન્ક પણ રેકોર્ડ ઊંચાઈએ બંધ થયો હતો.

BSE સેન્સેક્સ સૌપ્રથમ વાર 71,600ને પાર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટીએ પહેલી વાર 21,492ની સપાટી સર કરી હતી. નિફ્ટી બેન્કે 48,219નો રેકોર્ડ બનાવ્યો હતો. રિયલ્ટી, FMCG, ફાર્મા, ઓટો ઇન્ડેક્સ ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સ 970 પોઇન્ટ ઊછળીને 71,484 અને નિફ્ટી 274 પોઇન્ટ ઊછળીને 21,457ના મથાળે બંધ આવ્યા હતા. મિડકેપ 52 પોઇન્ટ વધીને 45,587ના સ્તરે બંધ આવ્યો હતો.સેન્સેક્સના 30માંથી 22 શેરોમાં તેજી રહી હતી, જ્યારે નિફ્ટીના 50માંથી 39 શેરોમાં તેજી થઈ હતી, જ્યારે નિફ્ટી બેન્કના 12માંથી નવ શેરો વધીને બંધ રહ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ત્રણ લાખ કરોડનો વધારો થયો હતો.

છેલ્લા ત્રણ વર્ષમાં સૌપ્રથમ વાર એવું થયું છે કે ભારતીય બજારોમાં સતત સાત સપ્તાહ સુધી તેજી જોવા મળી હોય. બધા સેક્ટરોમાં આ સપ્તાહે રેકોર્ડ તેજી રહી છે. IT, મેટલ અને PSU, બેન્કોમાં સૌથી વધુ તેજી જોવા મળી છે.

શેરબજારોમાં રોકાણકારો માટે ડિસેમ્બર અત્યાર સુધીનો શાનદાર મહિનો રહ્યો છે. રોકાણકારોએ ડિમ્બરમાં અત્યાર સુધી આશરે રૂ. 22 લાખ કરોડથી વધુની કમાણી કરી છે. ભાજપે ત્રણ રાજ્યોમાં જીત મેળવી અને ક્રૂડની કિંમતોમાં નરમાઈ અને યુએસ ફેડરલે વ્યાજદરોમાં ઘટાડાના સંકેતો આપતાં શેરોમાં લાલચોળ તેજી થઈ રહી છે.