NPA સામે ઝઝૂમી રહેલી સરકારી બેંકોનો હાથ ઝાલતી મોદી સરકાર…

નવી દિલ્હી– મોદી સરકારે જાહેર ક્ષેત્રની બેંકોને ભેટ આપવાની તૈયારી કરી દીધી છે. નાણાંપ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે, સરકાર ચાલુ નાણાકીય વર્ષના બાકી રહેલા મહિનાઓમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં 83,000 કરોડ રૂપિયાની ફાળવણી કરશે. તમને જણાવી દઈએ કે, સરકારી બેંકો NPA  સામે ઝઝૂમી રહી છે. નાણાંપ્રધાને કહ્યું કે, એનપીએની ઓળખ લગભગ પૂર્ણ થઈ ગઈ છે, ઓળખ વગરની એનપીએ હવે 0.59 ટકા છે, જે માર્ચ 2015માં 0.7 ટકા સુધી હતી. ગત ત્રિમાસિકમાં જોવા મળ્યું છે કે, આ પ્રદર્શનમાં સુધારો થઈ રહ્યો છે. રિકેપિટલાઈઝેશન સાર્વજનિક ક્ષેત્રની બેંકોને લોન આપવાની ક્ષમતા વધારવામાં મદદ કરશે.

લોકસભામાં રજૂ કરવામાં આવેલા એક નિવેદનમાં અરુણ જેટલીએ કહ્યું કે, વાસ્તવિક ખર્ચ માત્ર 15070 કરોડ રૂપિયા હશે, કારણ કે, અન્યોને બચત ભંડોળ પૂરું પાડવામાં આવશે. વધારાનો ખર્ચ ફેબ્રુઆરીમાં 2018 19 નાણાંકીય વર્ષ માટે જાહેર કરેલ 24.42 ટ્રિલિયન ભારતીય રુપિયાના બજેટની ટોચ પર છે. ગત નાણાંકીય વર્ષમાં આ ખર્ચ 21.43 ટ્રિલિયન રુપિયા હતો. ચાલુ નાણાંકીય વર્ષમાં બેંકોમાં 65,000 કરોડ રુપિયાના બજારમાં કુલ 1.06 લાખ કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવશે.જેટલીએ વધુમાં કહ્યું કે, આ રકમની ફાળવણી કરવાથી જાહેર ક્ષેત્રની બેંકોની લોન આપવાની ક્ષમતામાં વધારો થશે અને આરબીઆઈ તત્કાળ સુધારાત્મક કાર્યવાહી (પીસીએ)ની રુપરેખામાંથી બહાર નિકળવામાં મદદ મળશે. નાણાંપ્રધાને ઉમેર્યું કે જાહેર ક્ષેત્રની બેંકોમાં ફસાયેલી એનપીએને ઓળખવાનું કામ પૂર્ણ થઈ ગયું છે, અને એનપીએમાં ઘટાડો થવાની શરુઆત થઈ ગઈ છે.