નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયમાં રેવેન્યૂ વિભાગના સેક્રેટરી તરુણ બજાજે કહ્યું છે કે ક્રિપ્ટોકરન્સીઓને કરવેરાના દાયરામાં લાવવા માટે કેન્દ્ર સરકાર આવકવેરા કાયદામાં ફેરફારો કરવાનો વિચાર કરે છે. અમુક ફેરફાર આવતા વર્ષના કેન્દ્રીય બજેટમાં કરાય એવી ધારણા છે. બજાજે કહ્યું કે આવકવેરાના સંદર્ભમાં, કેટલાક લોકો ક્રિપ્ટોકરન્સીના ઉપયોગથી થયેલી આવક પર સરકારને કેપિટલ ગેન ટેક્સ ચૂકવી જ રહ્યા છે, અને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ના સંબંધમાં પણ કાયદો ઘણો સ્પષ્ટ છે કે અન્ય સેવાઓની જેમ આને પણ આ વેરો લાગુ થશે.
ઉલ્લેખનીય છે કે, ક્રિપ્ટોકરન્સીઓ પર પ્રતિબંધ મૂકતા ભારતીય રિઝર્વ બેન્કના સર્ક્યૂલરને સુપ્રીમ કોર્ટે 2020ના માર્ચમાં રદબાતલ કર્યો હતો. એને પગલે આ વર્ષની પાંચ ફેબ્રુઆરીએ રિઝર્વ બેન્કે ભારતની પોતાની સત્તાવાર ડિજિટલ કરન્સી લોન્ચ કરવા માટે કોઈક મોડેલ સૂચવવા એક આંતરિક સમિતિની રચના કરી હતી. બિટકોઈન જેવી અનેક ક્રિપ્ટોકરન્સીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી હોવાથી રિઝર્વ બેન્કને ઘણી ચિંતા સતાવે છે.
