મુંબઈઃ કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022 માટે ટેરિફ રેટ ક્વોટા (ટીઆરક્યૂ) અંતર્ગત અમેરિકામાં અતિરિક્ત 2,051 મેટ્રિક ટન કાચી સાકરની નિકાસ કરવાની પરવાનગી આપી છે. 2021ના ઓક્ટોબરમાં ભારતે 8,424 મેટ્રિક ટન સાકરની નિકાસ કરી હતી. આમ, નાણાકીય વર્ષ 2022 માટે અમેરિકાને ફાળવવામાં આવેલી (નિકાસ થનાર) સાકરનો આંકડો વધીને 10,475 મેટ્રિક ટન થયો છે.
ટેરિફ ક્વોટા આમ તો અનેક ચીજવસ્તુઓ માટે વપરાય છે, પરંતુ મોટે ભાગે કૃષિ ક્ષેત્રમાંની ચીજો માટે જ હોય છે. આ ક્વોટા અંતર્ગત અનાજ, ફળ, શાકભાજી, ડેરી ઉત્પાદનોની નિકાસ કરાય છે. અમેરિકાનું નાણાકીય વર્ષ 1 ઓક્ટોબર, 2021થી 30 સપ્ટેમ્બર, 2022 સુધીનું છે.