સેન્સેક્સ 866 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના છ લાખ કરોડ ડૂબ્યા

અમદાવાદઃ રિઝર્વ બેન્કે વ્યાજદરમાં કરેલો અચાનક વધારો અને એ પછી અમેરિકી ફેડે પણ 0.50 ટકા વ્યાજદરમાં કરેલા વધારાને પગલે સપ્તાહના અંતિમ દિવસે રોકાણકારોએ શેરોમાં સાર્વત્રિક વેચવાલી કરી હતી, જેથી ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટી ગયો હતો. NSEનો નિફ્ટી ઇન્ડેક્સ પણ 16,400ની નીચે સરક્યો હતો. બજારમાં આવેલા ઘટાડાને લીધે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 6 લાખ કરોડનો ઘટાડો થયો હતો. આ સાથે આ સપ્તાહમાં માર્કેટ કેપમાં રૂ. 11 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 866.65 તૂટીને 54, 835.58 અને નિફ્ટી 50 271.40 તૂટીને 16,411.25ના મથાળે બંધ રહ્યો હતો.

અમેરિકી ડાઉ જોન્સ ગઈ કાલે 1000 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નેસ્ડેકમાં પણ પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો. શેરોમાં ભારે વેચવાલીને પગલે  સેન્સેક્સ અને નિપ્ટી બે મહિનાના નીચા મથાળે પહોંચ્યા હતા. મોટા ભાગના મિડકેપ શેરોમાં જોરદાર વેચવાલી થઈ હતી.

આ સાથે અમેરિકાના 10 વર્ષના સમયગાળાવાળા બોન્ડ યિલ્ડમાં ત્રણ ટકાનો વધારો થયો હતો, જેથી ઊંચા યોન્ડ યિલ્ડનો અર્થ એ છે કે બજારમાં મોંઘવારીને કાબૂમાં કરવા માટે મધ્યસ્થ બેન્કો વ્યાજદરો હજી વધારો કરશે. બીજી બાજુ રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ થવાના સંકેતો નથી, જેથી કોમોડિટીની કિંમતો હજી ઊંચી રહેવાની ધારણા છે. આ ઉપરાંત નાટો દેશોથી ટેકો વધવાથી સ્થિતિ વધુ બગડશે.