ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં IC15 ઇન્ડેક્સ 8 ટકા તૂટ્યો

મુંબઈઃ અમેરિકામાં સ્ટોક્સના રકાસને પગલે ક્રિપ્ટો કરન્સીમાં પણ તારાજી સર્જાઈ છે. બિટકોઇનમાં જાન્યુઆરી, 2021 પછીનો પહેલો ઇન્ટ્રા-ડે ધબડકો બોલી ગયો હતો. રોકાણકારોને અર્થતંત્રની વાસ્તવિક સ્થિતિનો અંદાજ આવતાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં 24 કલાકના ગાળામાં 129 અબજ ડોલર મૂલ્ય ઘટી ગયું હતું.

અમેરિકામાં ડાઉ જોન્સ, નાસ્દાક અને એસ એન્ડ પી 500 એ ત્રણે મુખ્ય ઇન્ડેક્સમાં અનુક્રમે 3, 3.5 અને 4.9 ટકાનો ઘટાડો આવ્યો હતો, જે આ વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો.

લ્યુના ફાઉન્ડેશન ગાર્ડે ટેરા સ્ટેબલકોઇનની અનામત વધારવા માટે 1.5 અબજ ડોલર મૂલ્યના બિટકોઇન ખરીદવાનું પગલું ભર્યું હોવા છતાં ક્રિપ્ટોકરન્સી માર્કેટને ઊંચકી શકાઈ ન હતી. બિટકોઇનનો ભાવ ચોવીસ કલાકના ગાળામાં 8 ટકા ઘટીને 36,220ની આસપાસ ચાલી રહ્યો છે. ઈથેરિયમ પણ સાતેક ટકાના ઘટાડા સાથે 2,700 ડોલર હતો. તમામ મુખ્ય ઓલ્ટરનેટિવ કોઇનમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો.

અગાઉ, ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 8.01 ટકા (4,651 પોઇન્ટ) તૂટીને 53,406 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 58,058 ખૂલીને 58,236 સુધીની ઉપલી અને 52,560 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

 

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
58,058 પોઇન્ટ 58,236 પોઇન્ટ 52,560 પોઇન્ટ 53,406 પોઇન્ટ
ડેટાનો સમયઃ 6-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)