ત્રણ-વર્ષના અંતરાલ બાદ જેટ એરવેઝ ફરી ઉડાન ભરશે

નવી દિલ્હીઃ જેટ એરવેઝ ફરી એક વાર ઉડાન ભરવા સજ્જ છે. કેન્દ્રીય ગૃહપ્રધાને જેટ એરવેઝને સુરક્ષા માટેની મંજૂરી આપી દીધી છે. જેથી હવે જેટ આવતા મહિનાથી વેપારી ધોરણે ફ્લાઇટ ઓપરેટ કરી શકે છે. એર ઓપરેટર સર્ટિફિકેટ માટે પાંચ મેએ એરલાઇન કંપનીએ હૈદરાબાદથી ટેસ્ટિંગ ઉડાન ભરી હતી. કંપનીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

19 એપ્રિલ, 2019 પછી જેટ એરવેઝે કથળેલી નાણાકીય હાલત પછી કામગીરી બંધ કરી હતી. કંપનીએ કામગીરી બંધ કરી, ત્યારે કંપની પાસે 16 પ્લેન હતાં. માર્ચ, 2019 સુધી કંપનીનું નુકસાન રૂ. 5535.75 કરોડે પહોંચ્યું હતું. જોકે નવા પ્રમોટર જાલાન-કાલરોક કોન્સોર્શિયમનો હિસ્સો થયા પછી જેટ એરવેઝ ઉડાન ભરવા માટે તૈયાર છે.

કંપનીના CEO સંજીવ કપૂરે કહ્યું હતું કે ટેસ્ટ ફ્લાઇટ ઓપરેશનલ ક્ષણ હતી, જે જેટ એરવેઝને ઉડાન ભરવા આકરી મહેનત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે આશા છે કે એર ઓપરેટર સર્ટિફિકેટ (AOC)ના રિવેલિડેશનની પ્રક્રિયાને મંજૂરી મળા પછી એરલાઇન કામગીરી ફરી શરૂ કરી દેશે.

એક બાજુ જેટ એરવેઝ ત્રણ વર્ષો પછી ફરી એક વાર ઉડાન ભરવાની તૈયારીમાં છે, ત્યારે ભારતીય એવિયેશન ક્ષેત્રમાં એક વધુ એરલાઇન્સ ડગ માંડવાની શેરબજારમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાની આકાશ એર વેપારી ધોરણે ફ્લાઇટ્સનું સંચાલન જુલાઈમાં શરૂ કરે એવી શક્યતા છે.