આઇસી15-ઇન્ડેક્સમાં ઘટાડો યથાવત્: વધુ 2,494 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ વૈશ્વિક સ્તરે નબળી આર્થિક સ્થિતિ વિશે રોકાણકારોમાં ચિંતા ઘેરી બનતાં સ્ટોક્સ, બોન્ડ અને ક્રૂડના ભાવની સાથે સાથે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. બિટકોઇન ઇન્ટ્રાડે ધોરણે 33,247 ડોલરની સપાટીએ પહોંચ્યો હતો, જે આ વર્ષની સૌથી નીચલી સપાટી છે.

અમેરિકન સ્ટોક્સ ફ્યુચર્સનો સપ્તાહના પ્રારંભે ઘટાડો થવા લાગ્યો છે, જેના પરથી સંકેત મળે છે કે ગયા સપ્તાહના મોટા ઉતાર-ચડાવ બાદ ઈક્વિટી માર્કેટમાં હજી પણ ઘટાડો થવાની શક્યતા છે. એસએન્ડપી 500 ઇન્ડેક્સના ફ્યુચર્સમાં 1.5 ટકાનો ઘટાડો થયો હતો. એ જ રીતે નાસ્દાક 100ના ફ્યુચર્સમાં 1.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બોન્ડ માર્કેટમાં અમેરિકાની 10 વર્ષની ટ્રેઝરી નોટની ઊપજ સોમવારે 3.171 ટકા થઈ હતી. બ્રેન્ડ ક્રૂડના ફ્યુચર્સના ભાવ 1.1 ટકો ઘટીને 111.15 ડોલર પ્રતિ બેરલ થયા હતા.

ક્રીપ્ટોકરન્સી માર્કેટનો ફીયર એન્ડ ગ્રીડ ઇન્ડેક્સ 11ના અંકે પહોંચ્યો છે, જે રોકાણકારોમાં પ્રવર્તતી અતિશય ભયની લાગણી દર્શાવે છે.

બિટકોઇન પાછલા ચોવીસ કલાકમાં આશરે 3 ટકા ઘટીને 33,500ના સ્તરે પહોંચ્યો છે. એ જ રીતે બીજા ક્રમાંકની ક્રીપ્ટોકરન્સી ઈથેરિયમમાં ચારેક ટકાનો ઘટાડો થતાં ભાવ 2,400 ડોલરની નજીક પહોંચ્યો હતો.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.92 ટકા (2,494 પોઇન્ટ) ઘટીને 48,136 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 50,630 ખૂલીને 50,953 સુધીની ઉપલી અને 47,877 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
50,630 પોઇન્ટ 50,953 પોઇન્ટ 47,877 પોઇન્ટ 48,136 પોઇન્ટ

ડેટાનો સમયઃ 9-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)