નવી દિલ્હીઃ મજબૂત વૈશ્વિક સંકેતોને પગલે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ શેરોમાં સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 1030 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. જેથી સેન્સેક્સ સતત બીજા દિવસે 1030 પોઇન્ટ ઊછળ્યો હતો. જ્યારે નિફ્ટી 300 પોઇન્ટ વધીને 17,350ને પાર પહોંચ્યો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ક્રમશઃ 0.96 ટકા અને 1.35 ટકાની તેજી સાથે બંધ રહ્યા હતા. બજારના ટ્રેડિંગ સેશન દરમ્યાન IT, ટેક, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિઝ, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી અને ટેલિકોમ્યુનિકેશન્સ શેરોમાં તેજી થઈ હતી. બજારમાં સાર્વત્રિક તેજીને પગલે રોકાણકારોની સંપત્તિમાં આશરે 3.42 લાખ કરોડનો વધારો થયો હતો.
બજાર બંધ થયા પછી BSE સેન્સેક્સ 1031.43 પોઇન્ટ ઊછલી 58,991.52 પર બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 279.05 પોઇન્ટ ઊછળી 17,359.75ના સ્તરે બંધ થયો હતો.
રોકાણકારોની સંપત્તિમાં 3.42 લાખ કરોડનો વધારો
BSE માં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 29 માર્ચથી વધીને 258.13 લાખ કરોડે પહોંચ્યું હતું, જે અગાઉના 28 માર્ચે રૂ. 254.71 લાખ કરોડ હતું. આ પ્રકારે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આશરે રૂ. 3.42 લાખ કરોડ વધ્યું હતું.
સેન્સેકસમાં સમાવિષ્ટ 30માંથી 26 શેર વધીને બંધ રહ્યા હતા. BSE સેન્સેક્સ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ 4.29 ટકા ઊછળીને બંધ રહ્યો હતો જ્યારે નેસ્લે 3.30, ઇન્ફોસિસ 3.19 ટકા ICICI બેન્ક 3.08 ટકા, તાતા મોટર્સનો શેર 2.80 ટકા અને TCS 2.16 ટકા ઊછળ્યો હતો.