સોના વિરુદ્ધ શેરબજારઃ સેન્સેક્સે આપ્યું ગોલ્ડ કરતાં બે ગણું વળતર

અમદાવાદઃ નાણાકીય વર્ષ 2024માં સોનામાં મૂડીરોકાણ કરનારા રોકાણકારોને નહીં, પણ શેરબજારમાં નાણાં રોકનારાઓને વધુ નફો થયો હતો. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ -સેન્સેક્સ અને નિફ્ટીએ નાણાં વર્ષ 2024માં સોનાથી સારો દેખાવ કર્યો હતો. દેશની સારી આર્થિક સ્થિતિને પગલે શેરબજારોમાં ગયા નાણાકીય વર્ષમાં નોંધપાત્ર મૂડીરોકાણ આવ્યું હતું. વિદેશી અને સ્થાનિક રોકાણકારોએ બજારમાં ધૂમ ખરીદી કરી હતી, જેનાથી બંને ઇન્ડેક્સ નાણાકીય વર્ષ 2024માં રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા હતા.

નાણાકીય વર્ષ 2024માં સેન્સેક્સ અને નિફ્ટીએ ક્રમશઃ 25 અને 29 ટકા વળતર આપ્યું હતું. જ્યારે એની તુલનાએ MCX ગોલ્ડ અને ઇન્ટરનેશનલ ગોલ્ડે આ દરમ્યાન ગોલ્ડે આ દરમ્યાન 12.5 ટકા અને 13.2 ટકા રિટર્ન આપ્યું છે. એટલે સેન્સેક્સે ગોલ્ડ કરતાં આશરે બે ગણું રિટર્ન  આપ્યું હતું. સતત સાતમા વર્ષે MCX ગોલ્ડે પ્રોત્સાહક રિટર્ન આપ્યું હતું, જ્યારે ઇન્ટરનેશનલ ગોલ્ડે સતત ચોથા વર્ષે પોઝિટિવ રિટર્ન આપ્યું હતું.

દેશનો મજબૂત આર્થિક ગ્રોથ અને નાણાકીય સંસાધનોમાં ભારતીય રોકાણકારોની વધતી રુચિને કારણે ગોલ્ડે ઇક્વિટીની તુલનાએ ઓછું રિટર્ન આપ્યું હતું. શેરબજારમાં જોરદાર તેજીને કારણે રોકાણકારો સોના અને રિયલ એસ્ટેટ જેવા ફિઝિકલ એસેટ્સની જગ્યાએ શેર જેવા નાણાકીય અસ્કયામતોમાં મૂડીરોકાણ કરવાનું વલણ અપનાવી રહ્યા છે, એમ વેલ્થમિલ્સ સિક્યોરિટીઝમાં ઇક્વિટી સ્ટ્રેટેજીનાં ડિરેક્ટર ક્રાંતિ બેથિનીએ જણાવ્યું હતું.

નાણાકીય વર્ષ 2024માં FII અને DII- બંને શેરબજારમાં 25 અબજ ડોલરથી વધુનું મૂડીરોકાણ કર્યું છે, જે પાછલાં કેટલાંક વર્ષોમાં સૌથી વધુ છે. છેલ્લા ત્રણ મહિનામાં FIIએ ભારતીય બજારો 1.1 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે, જ્યારે આ સમયગાળામાં સ્થાનિક રોકાણકારોએ 13.1 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે. આ સિવાય ફેબ્રુઆરીમાં SIP દ્વારા શેરબજારમાં આવનારા પૈસા સૌપ્રથમ વાર રૂ. 19,000 કરોડને પાર કરી ગયું છે.