અમદાવાદઃ અદાણી ગ્રુપની માલિકીની સિમેન્ટ્સ કંપની અંબુજા સિમેન્ટ્સે રૂ. 8100 કરોડના ઇક્વિટી મૂલ્ય પર ઓરિયેન્ટ સિમેન્ટનું હસ્તાંતરણ કરશે. આ કંપની CK બિરલા ગ્રુપની છે. આ સોદાનું મૂલ્ય પ્રતિ શેર રૂ. 395.4 નિર્ધારિત કરવામાં આવ્યું છે.
આ હસંતાંતરણ પછી અદાણી સિમેન્ટની કુલ કાર્યકારી ક્ષમતા વાર્ષિક 97.4 MTPA ટન થશે અને માર્ચ 2025 સુધીમાં કંપની તેની ઉત્પાદન ક્ષમતા વધારીને 100 મિલિયન ટન કરશે.
અંબુજા સિમેન્ટે જણાવ્યું હતું કે ઓરિએન્ટ સિમેન્ટના અધિગ્રહણથી અંબુજા સિમેન્ટને દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં તેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 8.5 મિલિયન ટન સુધી વધારવામાં મદદ મળશે તેમ જ અદાણી સિમેન્ટનો માર્કેટ શેર બે ટકા વધશે, એમ કંપનીએ સ્ટોક એક્સચેન્જમાં એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું છે.
અંબુજા સિમેન્ટ્સે જણાવ્યું હતું કે 2 તબક્કામાં આ હસ્તગત કરશે. અંબુજા સિમેન્ટ OCLના પ્રમોટર્સ પાસેથી 37.9% અને અમુક પબ્લિક શેરહોલ્ડર્સ પાસેથી 8.9% હિસ્સો મેળવશે. આ પછી કંપની 26% હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર શરૂ કરશે. ઓરિએન્ટ સિમેન્ટ સીકે બિરલા ગ્રુપની કંપની છે. આ ડીલ 395.4 રૂપિયા પ્રતિ શેરના ભાવે કરવામાં આવી છે.
સી કે બિરલા ગ્રુપની સિમેન્ટ કંપની ઓરિયેન્ટ સિમેન્ટનું અધિગ્રહણ અંબુજા સિમેન્ટની હાલની હાજરીને વધુ મજબૂત કરશે. આ સોદા પછી ઓપરેશન કોસ્ટ ઘટીને 58 ડોલર પ્રતિ ટન થઈ જશે. જે ગ્રીનફિલ્ડ સેટ-અપ ખર્ચ 110-120 ડોલર પ્રતિ ટન કરતાં ઓછી છે. એક્વિઝિશન ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે, એમ કંપનીએ જણાવ્યું હતું.