મુંબઈઃ ભારતમાં રેલવે પ્રવાસ કરતાં લોકોની કાયમ એક જ ફરિયાદ હોય છે કે ટ્રેન સમયસર પહોંચતી નથી, મોડી જ પડે છે. તેથી રેલવે વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓ માટેની સેવામાં સતત સુધારા કરવામાં આવે છે. હાલમાં, કોઈ એકાદી ટ્રેન લેટ પડે તો રેલવે તરફથી પ્રવાસીઓને મફત ભોજન પૂરું પાડવાની સુવિધા છે, પરંતુ આ સુવિધા તમામ ટ્રેનો માટે લાગુ નથી. માત્ર પ્રીમિયમ ટ્રેનો માટે જ લાગુ છે. જેમ કે, રાજધાની, શતાબ્દી, દુરન્તો એક્સપ્રેસ. આ ટ્રેનોનું ભાડું સામાન્ય કે એક્સપ્રેસ ટ્રેનો કરતાં વધારે હોય છે.
આ ટ્રેનોમાંની કોઈ ટ્રેન જો મોડી પડે તો રેલવે તરફથી પ્રવાસીઓને મફત ભોજન પૂરું પાડવામાં આવે છે. આવી સુવિધા વિમાન પ્રવાસીઓને આપવામાં આવે છે. જો કોઈ ફ્લાઈટ મોડી પડે તો જે તે એરલાઈન કંપની દ્વારા પ્રવાસીઓને જમવાની મફત વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.
રેલવેના નિયમ અનુસાર, પ્રીમિયમ ટ્રેન જો સ્ટેશને કોઈ પણ કારણસર, બે કલાકથી વધારે સમય મોડી પહોંચશે તો પ્રવાસીઓને મફત ભોજન આપવામાં આવશે. આ ટ્રેનોના પ્રવાસીઓને ભારતીય રેલવેની IRCTC કંપની તરફથી એની કેટરિંગ નીતિ અનુસાર ભોજન અને ચાની વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રવાસીઓ આ સુવિધા અંતર્ગત મફત ભોજન કે ચા કે કોલ્ડ ડ્રિન્ક મેળવી શકે છે. માત્ર ઓછામાં ઓછા બે કલાક મોડી પડેલી ટ્રેનના પ્રવાસીઓને જ આ સુવિધાનો નિયમ લાગુ પડશે. આ માટે IRCTC પ્રીમિયમ ટ્રેનોમાં નવા કીચન બનાવશે અને હાલના કીચનને અપગ્રેડ કરશે.