ચિપની અછતને લીધે દેશની બેન્કોની સરકાર પાસે ધા

નવી દિલ્હીઃ વિશ્વમાં છેલ્લાં બે વર્ષથી ચિપના સંકટને કારણે કેટલીય કન્ઝ્યુમર પ્રોડક્ટના ઉત્પાદન પર અસર પડી છે. ચિપની અછતના સંકટને કારણે દેશની બેન્કોને ચપેટમાં લેવાનું શરૂ કર્યું છે. બજારમાં સેમિ-કન્ડક્ટર ચિપની ખેંચ હોવાને કારણે બેન્કોની ડેબિટ-ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. બેન્કોએ હવે સરકારને ચિપ સંકટને મુદ્દે હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. બેન્કોએ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાને પણ ચિપ સપ્લાયરની તપાસ કરવાની માગ કરી છે. બેન્કોએ એમના સંગઠન ઇન્ડિયન બેન્ક્સ એસોસિયેશન દ્વારા ગયા મહિને સરકારથી ચિપ સંકટને મુદ્દે મુલાકાત કરી હતી, એમ આ મામલાથી માહિતગાર લોકોએ માહિતી આપી હતી.

કોરોના રોગચાળાને કારણે ચીનમાં આ ઉદ્યોગોને ભારે પ્રતિકૂળ અસર પડી છે અને એને કારણે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી ચિપની અછતનો સામનો કરી રહી છે. બેન્કોને આને લીધે કાર્ડ જારી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વડા પ્રધાન જન ધન યોજનાનાં ખાતાધારકોને ATM અથવા ડેબિટ કાર્ડ જારી કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. એનાથી લાભાર્થીઓને વીમા કવરેજ આપવામાં અડચણો ઊભી થાય એમ છે. ચિપની અછતને લીધે વિશ્વમાં કેટલીય પ્રોડક્ટોના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પડી છે. એને લીધે સ્થાનિક ચિપ ઉત્પાદકોએ ભાવ વધારી દીધા છે, એમ બેન્કોઓ જણાવ્યું હતું.

સરકાર હાલ ચિપની અછત કેવી રીતે દૂર કરી શકાય, એના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ચીનમાં કોરોના સંબંધિત કડક વલણને કારણે સ્થાનિક વેન્ડરોએ ભાવ નોંધપાત્ર પ્રમાણમાં વધારી દીધા છે. સ્થાનિક વેન્ડરના બેન્કો સાથે લાંબા સમય માટે કોન્ટ્રેક્ટ છે, પણ હવે તેઓ કિંમત વધારી રહ્યા છે, એમ બેન્ક અધિકારીએ જણાવ્યું હતું.