દેશમાં ક્રેડિટ કાર્ડ, યૂપીઆઈ પેમેન્ટ્સનું પ્રમાણ વધ્યું

નવી દિલ્હીઃ દેશભરમાં ક્રેડિટ કાર્ડ અને યૂપીઆઈ મારફત પેમેન્ટ્સનું વધી ગયેલું પ્રમાણ દર્શાવે છે કે કોરોનાવાઈરસ ચેપી બીમારીની ઘટી રહેલી અસર સાથે આર્થિક પ્રવૃત્તિઓમાં રીકવરી વચ્ચે વપરાશમાં ઉછાળો આવ્યો છે, એમ નિષ્ણાતો અને માર્કેટના દિગ્ગજોનું કહેવું છે.

ભારતીય રિઝર્વ બેન્કે બહાર પાડેલી માસિક માહિતી અનુસાર, દેશમાં આ વર્ષના એપ્રિલમાં યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યૂપીઆઈ) સોદાઓમાં રૂ. 9.63 લાખ કરોડનો વધારો નોંધાયો હતો. તે વધારો ઓગસ્ટ મહિનામાં વધીને રૂ. 10.73 લાખ કરોડ થયો હતો.

એવી જ રીતે, PoS (પોઈન્ટ ઓફ સેલ) ટર્મિનલ મારફત ક્રેડિટ કાર્ડથી કરાયેલા પેમેન્ટ્સનો આંકડો આ વર્ષના એપ્રિલમાં રૂ. 29,988 કરોડથી વધીને ઓગસ્ટમાં રૂ. 32,383 કરોડ થયો હતો. ઈ-કોમર્સ કંપનીઓને ક્રેડિટ કાર્ડ દ્વારા કરાયેલા પેમેન્ટ્સનું મૂલ્ય એપ્રિલમાં રૂ. 51,375 કરોડ હતું તે ઓગસ્ટમાં વધીને રૂ. 55,264 કરોડ થયું હતું.