કોરોના-રસીઓ, દવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવાનો નાણાંપ્રધાનનો ઈનકાર

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીઓ, દવાઓ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માંથી બાકાત રાખવાની શક્યતાને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને નકારી કાઢી છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી હતી કે કોરોના-દર્દીઓની સારવાર માટે જરૂરી તમામ જીવનરક્ષક દવાઓ, તબીબી સાધનસામગ્રીઓને જીએસટીમાંથી બાકાત રાખવી જોઈએ. હાલ રસીઓની વ્યાપારી આયાત પર અને સ્થાનિક પૂરવઠા પર પાંચ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે કોવિડ-19 દવાઓ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પર 12 ટકા વેરો લગાડવામાં આવ્યો છે. પત્રના પ્રતિસાદમાં, સીતારામને કહ્યું છે કે આ પ્રકારની મુક્તિઓ આપવાથી જીવનરક્ષક ચીજવસ્તુઓ ગ્રાહકો માટે વધારે મોંઘી બની જાય, કારણ કે ઉત્પાદકો કાચા માલ પર ચૂકવેલા કરવેરાને સરભર કરવામાં સક્ષમ નહીં બની શકે અને તે બોજો આખરે ગ્રાહકો કે નાગરિકો પર નાખી દેશે – રસી/દવા/તબીબી સાધનસામગ્રીની કિંમત વધારી દઈને.