મંદીની બૂમરાણ વચ્ચે નાણા મંત્રીએ કરી નવી જાહેરાતો…..

નવી દિલ્હી- જીડીપીના નબળા આંકડા અને દેશના ઉદ્યોગો પર મંદીનો મારને પગલે કેન્દ્ર સરકાર વિપક્ષના નિશાના પર છે. આ બધા વચ્ચે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે ફરી એક વાર પ્રેસ કોન્ફરન્સ કરી સરકારના નવા પગલાંઓની જાહેરાત કરી હતી. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, અમારું ફોક્સ હોમ બાયર્સ, એક્સપોર્ટ અને ટેક્સ રિફોર્મ પર છે. નાના ડિફોલ્ટના કેસમાં હવે કાનુની કાર્યવાહી નહીં થાય. 25 લાખ સુધીના ટેક્સ ડિફોલ્ટર્સ પર કાર્યવાહી માટે સિનીયર અધિકારીઓની મંજૂરી લેવી પડશે.

નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું કે, નિકાસ માટે નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી રહી છે. 1 જાન્યુઆરી 2020થી મર્ચન્ડાઈઝ એક્સપોર્ટ ફ્રોમ ઈન્ડિયન સ્કીમ એટલે કે એમઈઆઈએસની જગ્યાએ સ્કીમ આરઓડીટીઈપી (RoDTEP) લોન્ચ કરવામાં આવી છે. નવી સ્કીમથી સરકાર પર 50 હજાર કરોડ રૂપિયાનો વધારાનો ભાર આવશે. આ સિવાય એક્સપોર્ટમાં ઈ-રિફંડ ટુંક સમયમાં લાગૂ થશે. એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે માર્ચ 2020માં 4 મેગા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

ઘર ખરીદનારને થશે ફાયદો

નિર્મલા સીતારમણે જણાવ્યું કે, જે પ્રોજેક્ટોનું 60 ટકા કામ થઈ ગયું હોય તેવા અધુરા પ્રોજેક્ટોને સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું ફંડ આપવાનું નક્કી કર્યું છે. જોકે, આમા શરત એ હશે કે, પ્રોજેક્ટ નોન પરફોર્મિંગ એસેટ એટલે કે એનપીએ ન હોય. આ ઉપરાંત જે પ્રોજેક્ટનો મામલો એનસીએલટીમાં ચાલી રહ્યો હોય એને પણ ફંડ નહીં મળે. નાણાંપ્રધાને કહ્યું કે, આનાથી 3.5 લાખ ઘરોને ફાયદો મળશે. તેમજ સરકાર અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે ઈસીબી ગાઈડલાઈન્સમાં સુધારો કરશે.

નાણા મંત્રીના મતે, એપ્રિલ-જૂનમાં ઈન્ડસ્ટ્રીના રિવાઈવલના સંકેત મળ્યા છે. આ સિવાય ક્રેડિટ ગેરન્ટી સ્કીમનો ફાયદો એનબીએફસીને મળ્યો છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે બેંકોના ક્રેડિટ આઉટફ્લો વધ્યો છે. આ સિવાય ક્રેડિટ આઉટફ્લોની જાણકારી 19 સપ્ટેમ્બરના PSU બેંકોના પ્રમુખોની સાથે બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અર્થવ્યવસ્થાને લઈને કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બે વખત પ્રેસ કોન્ફરન્સ કરી ચૂક્યા છે.