ડીએચએફએલ કેસઃ ૬૩-મૂન્સની અરજીની આખરી સુનાવણી ૧૩-જાન્યુઆરીએ

મુંબઈઃ ડીએચએફએલના એડમિનિસ્ટ્રેટર દ્વારા લગભગ ૩૦,૦૦૦ કરોડ રૂપિયાના વ્યવહારો બાબતે કરાયેલી અવોઇડન્સ એપ્લિકેશનનો લાભ કંપનીના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર સહિતના કમિટી ઑફ ક્રેડિટર્સને મળવો જોઈએ એવી અરજી ૬૩ મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડે કરી છે. ૬૩ મૂન્સનું કહેવું છે કે આ બધા ક્રેડિટર્સે ડીએચએફએલના ડિફોલ્ટને કારણે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

ડીએચએફએલના રિઝોલ્યુશન એપ્લિકન્ટે સુપરત કરેલા રિઝોલ્યુશન પ્લાન મુજબ અવોઇડન્સ એપ્લિકેશનમાંથી મળનારી રિકવરીની રકમ કે તેના લાભ રિઝોલ્યુશન એપ્લિકન્ટને મળશે. રિઝોલ્યુશનનો આ પ્લાન મતદાન માટે મુકાયો છે.

૬૩ મૂન્સે ૩૧મી ડિસેમ્બરે કરેલી અરજીની સુનાવણી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સમક્ષ થઈ હતી. ટ્રિબ્યુનલે આ બાબતે આખરી સુનાવણી ૧૩મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ રાખવાનું નક્કી કર્યું છે.

૬૩ મૂન્સને આશા છે કે ટ્રિબ્યુનલ નોન કન્વર્ટિબલ ડિબેન્ચરધારકો સહિતના ક્રેડિટર્સને નુકસાનદાયક ઠરનારા રિઝોલ્યુશન પ્રપોઝલને રદ કરી દેશે. તેનું કહેવું છે કે ડીએચએફએલ કંપનીના ગોટાળાભર્યા વ્યવહારોમાંથી ભવિષ્યમાં થનારી રિકવરી ક્રેડિટર્સને બદલે રિઝોલ્યુશન એપ્લિકન્ટ્સને મળશે તો ડિબેન્ચરધારકોને લેણી રકમના ફક્ત ૩૦થી ૩૫ ટકા જ રકમ મળશે, જે તેમના માટે નુકસાનદાયક રહેશે.

૬૩ મૂન્સે પોતાની અરજીમાં દલીલ કરી છે કે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડનો હેતુ ક્રેડિટર્સને લેણી રકમમાંથી મહત્તમ રકમ મળે એવો છે. આથી એના હેઠળ જ નિર્ણય લેવાવો જોઈએ. બીજા નોન કન્વર્ટિબલ ડિબેન્ચરધારકો પોતાના અધિકારો માટે આ લડતમાં જોડાય છે કે કેમ એ જોવું રહ્યું.