નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પરિણામોથી માત્ર ભાજપને જ ચિંતા નથી થઈ, પણ વિશ્વની દિગ્ગજ રેટિંગ એજન્સીઓનું દિલ બેસી ગયું છે. વૈશ્વિક રેટિંગ એજન્સીઓ ફિચ અને મૂડીઝે સત્તાવાર રીતે નિવેદન જારી કરીને ભારતીય અર્થતંત્ર માટે ચિંતા વ્યક્ત કરી છે. ભાજપને પૂર્ણ બહુમત ના મળવાથી દેશના આર્થિક સુધારાની દિશામાં એક ઝટકો સાબિત થાય એવી શક્યતા છે.
ભાજપે મોદી સરકાર 3.0માં સાથી પક્ષો પર વધારે આધાર રાખવો પડશે. તેને કારણે આર્થિક સુધારાની પ્રક્રિયા પર અસર પડશે, જમીન અને શ્રમ સબંધિત ખાધ સુધારા મુશ્કેલ બનશે તેમ વૈશ્વિક રેટિંગ એજન્સીઓએ બુધવારે કહ્યું હતું. ફિચ રેટિંગ્સ અને મૂડીઝ રેટિંગ્સે અલગ-અલગ નોટમાં કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવામાં ભાજપ એકલા હાથે બહુમતી મેળવી શક્યો નથી અને લોકસભાની 240 સીટ જ મેળવી શક્યો છે. હવે ભાજપ NDAના સાથી પક્ષો સાથે મળીને સરકાર રચશે.
ફિચ રેટિંગ્સે કહ્યું હતું કે સરકારના વધુ મહત્વાકાંક્ષી રિફોર્મ એજન્ડાનો અમલ પડકારજનક બની શકે છે. હવે ભાજપે નાના પક્ષોને સાથે લઈને નિર્ણયો લેવા પડશે. વિવાદાસ્પદ આર્થિક બિલ પસાર કરાવવા મુશ્કેલ બનશે. ખાસ કરીને શ્રમ અને જમીન સંબંધિત બિલ પસાર કરાવવાનું કામ કપરું બનશે. ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે આ સુધારા જરૂરી છે.
મૂડીઝે કહ્યું હતું કે તેના મતે આર્થિક સુધારા જારી રહેશે અને ખાસ કરીને બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ પર સરકાર ભાર મૂકશે અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે, જે આર્થિક વૃદ્ધિને ટેકો આપશે. તેમ છતાં NDAને પાતળી બહુમતી હોવાથી આર્થિક અને ફિસ્કલ સુધારામાં વિલંબ થઈ શકે છે જે ફિસ્કલ કોન્સોલિડેશનમાં પ્રગતિ આડે અડચણ બની શકે છે.
જોકે ફિચને પણ લાગે છે કે જો આર્થિક સુધારાની ગતિ ધીમી પડશે તો મધ્યમ ગાળાનો મહત્તમ ગ્રોથ થોડો નીચે આવી શકે છે. મૂડીઝે કહ્યું હતું કે આગામી કેટલાંક સપ્તાહમાં ભારત સરકાર 2024-25નું સંપૂર્ણ બજેટ જાહેર કરશે, જેમાં ફિસ્કલ પોલિસી મુદ્દે કેટલાક સંકેત મળશે છતાં ભારતનું ફિસ્કલ કોન્સોલિડેશન Baa-રેટેડ અન્ય સમકક્ષ દેશોની સરખામણીમાં નબળું જોવા મળશે.
મૂડીઝે કહ્યું કે 2023-24થી 2025-26ના ત્રણ વર્ષમાં ભારતનો રિયલ જીડીપી ગ્રોથ સરેરાસ 7 ટકા આસપાસ રહેશે તેવો અંદાજ છે, જેમાં મધ્યમ ગાળામાં સુધારાની સંભાવના છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ડિજિટલાઈઝેશનમાં કામગીરી અગાઉ જેવી રહેશે તો આ શક્ય બનશે.