કૃષિ બજારનું ખાનગીકરણ; દેશમાં પહેલી જ વાર, મધ્ય પ્રદેશમાં

ભોપાલઃ મધ્ય પ્રદેશના ખેડૂતો હવે પોતાની કૃષિ ઊપજ વધુ સ્પર્ધાત્મક ભાવે વેચી શકે છે અને એ પણ મંડી (બજાર)માં ગયા વિના. રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે નિકાસકારો, વેપારીઓ, ફૂડ પ્રોસેસર વગેરે ખાનગી મંડી શરૂ કરી શકે છે અને ખેડૂતની જમીન અથવા ઘરની મુલાકાત લઈને કૃષિ પેદાશોની ખરીદી કરી શકે છે. મંડીના નિયમોમાં સુધારો કરવાનો ઉદ્દેશ એ છે કે ખેડૂતોને તેમની કૃષિ પેદાશોના વધુ સારા ભાવે વેચવાની સ્વતંત્રતા આપવામાં આવે અને પોતાની પસંદગી પ્રમાણે ખેડૂત કૃષિ પેદાશોની લે-વેચ કરી શકે. મુખ્ય પ્રધાને આ પગલાને ક્રાંતિકારી ગણાવતાં ખેડૂતો માટે  લાભકારક અને પ્રગતિશીલ ગણાવ્યું હતું. વળી ખાનગી મંડીઓ સામાન્ય મંડીની જેમ કાર્યરત રહી શકશે.

દેશમાં આવો નિર્ણય લેનાર મધ્ય પ્રદેશ પહેલું જ રાજ્ય બન્યું છે.

રાજ્ય સરકારનો વટહુકમ

રાજ્ય સરકારે મધ્ય પ્રદેશ કૃષિ ઊપજ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2020 નામનો વટહુકમ બહાર પાડ્યો છે, જે દ્વારા ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ, નિકાસકારો અને જથ્થાબંધ વેપારીઓ ખેડૂતો પાસેથી મંડીમાં ઊપજ લાવ્યા વિના ખેતરમાંથી કે ખેડૂતના ઘરઆંગણેથી સીધી વેચાણ માટે ખરીદી શકશે.

મંડી ફી પણ માત્ર એક જ જગ્યાએ લેવાશે

મુખ્ય પ્રધાન શિવરાજ સિંહે જણાવ્યું હતું કે એક જ લાઇસન્સ હશે જેના પર ખાનગી મંડીમાં રાજ્યભરમાંથી કૃષિ પેદાશો ખરીદી શકાશે છે અને મંડી ફી પણ માત્ર એક જ જગ્યાએ લેવામાં આવશે. આ ઉપરાંત રાજ્યએ એક ઇ-ટ્રેડિંગ સુવિધા શરૂ કરવાનું પણ નક્કી કર્યું છે, જેનાથી રાજ્યોના ખેડૂતોને દેશભરમાં અન્ય કોઈ પણ વેપારી સંસ્થા સાથે વેપાર કરી શકશે.

છેલ્લાં કેટલાંક સપ્તાહમાં દેશનાં અન્ય કેટલાંક રાજ્યોએ પણ એમને ત્યાંના ખેડૂતો માટે મંડીમાં ગયા વગર તેમની કૃષિ પેદાશોનું સીધું વેચાણ કરી શકે એ માટેના પગલાં લીધાં છે.