મોબાઇલ, લેપટોપની ઓનલાઈન ડિલીવરીને મંજૂરી; રેડ ઝોનમાં નહીં

મુંબઈઃ જો તમે ઓનલાઇન મોબાઇલ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક્સ માલસામાન ખરીદવા ઇચ્છતા હો તો તમારે આવતી કાલે, સોમવારથી વધુ રાહ જોવી નહીં પડે, કારણ કે કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ કંપનીઓને ચોથી મેથી બિનજરૂરી ચીજવસ્તુઓની ડિલિવરીની મંજૂરી આપી છે. જોકે આ શરતી મંજૂરી છે.

 

કેન્દ્ર સરકારે ચોથી મેથી એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ મોલ સહિત બધી ઈ-કોમર્સ કંપનીઓને બિનજરૂરી માલસામાનની ડિલિવરી કરવાની મંજૂરી આપી દીધી છે, પણ આ મંજૂરી માત્ર ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં રહેતા લોકો માટે જ છે.

જો તમારો વિસ્તાર ગ્રીન અથવા ઓરેન્જ ઝોનમાં છે તો તમે ચોથી મેથી મોબાઇલ, લેપટોપ સહિત અન્ય માલસામાનની ઓનલાઇન ખરીદી પણ કરી શકશો. સરકારે ચોથી મેથી આ ચીજવસ્તુઓની ડિલિવરીની મંજૂરી આપી દીધી છે.

જો તમે જ્યાં રહેતા હો વિસ્તાર રેડ ઝોન ઘોષિત કરાયો હશે, તો આ છૂટનો લાભ નહીં મળે. એટલે કે રેડ ઝોન વિસ્તારમાં હજી માત્ર આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાયની જ છૂટ છે. રેડ ઝોન વિસ્તારમાં 17 મે સુધી પહેલાંની જેમ બધા પ્રકારના પ્રતિબંધ જારી રહેશે. રેડ ઝોનમાં રહેતા લોકોને મોબાઇલ-લેપટોપની હોમ ડિલીવરીનો લાભ હમણાં નહીં મળે.

સરકારના આ સુવિધાથી ઘણા લોકોને રાહત મળશે. છેલ્લા 40 દિવસથી લોકોને બિનજરૂરી માલસામાનના વેચાણ પર પ્રતિબંધ ચાલુ છે. સરકારે લોકડાઉનનો સમયગાળો ત્રીજી વાર – 17 મે સુધી લંબાવી દીધો છે.

ગૃહ મંત્રાલયે દેશના 700થી વધુ જિલ્લાઓને રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વહેંચી દીધા છે. આમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા બિનજરૂરી ચીજવસ્તુઓની હોમ ડિલિવરીની મંજૂરી આપી છે. જ્યારે આવશ્યક ચીજવસ્તુઓની ડિલિવરી રેડ ઝોનમાં કરી શકાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]