નવી દિલ્હીઃ દેશભરમાં નોટબંધી નિર્ણય લાગુ કરાયો હતો તેને આજે, 8 નવેમ્બરે બરાબર ચાર વર્ષ પૂરા થયા. રૂ. 500 અને રૂ. 1000ની કરન્સી નોટને 8 નવેમ્બરની મધરાતથી જ ચલણમાંથી પાછી ખેંચી લેવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાતે 8 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધનમાં જાહેરાત કરીને દેશવાસીઓને ચોંકાવી દીધા હતા.
આજે એ ઘટનાની ચાર વર્ષની સમાપ્તિએ વિરોધપક્ષોએ મોદી સરકારની ફરી ટીકા કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષની ઝાટકણી કાઢી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે નોટબંધી એ વાસ્તવમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાં પર પ્રહાર હતો. કોંગ્રેસની આગેવાની હેઠળની યૂપીએ સરકારના દાયકા દરમિયાન આ ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના દૂષણે માઝા મૂકી હતી.
રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે નોટબંધી નિર્ણય દેશના હિત માટે લેવાયો હતો.
નોટબંધીથી અર્થતંત્રમાં સાફસૂફી થઈ હતી, અનૌપચારિક ક્ષેત્ર ઔપચારિક બન્યા હતા, એમ રાજીવ ચંદ્રશેખરે અહીં ભાજપના મુખ્યાલયમાં બોલાવેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું.
એમણે કહ્યું કે નોટબંધીએ પ્રણાલીગત નાણાકીય ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના દૂષણને મોટો ફટકો માર્યો હતો. એ નિર્ણય લેવાયા બાદ અર્થતંત્રને ફાયદો થયો છે અને સમાજના તમામ વર્ગોને અભૂતપૂર્વ નાણાકીય લાભો પ્રાપ્ત થયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના એ નિર્ણયનો બચાવ કર્યો હતો અને કહ્યું કે એનાથી ભ્રષ્ટાચાર ઘટી ગયો છે અને પારદર્શકતા વધી ગઈ છે.
રાતે 8 વાગ્યે કરેલા રાષ્ટ્રીય સંબોધનમાં મોદીએ 500 અને 1000ના મૂલ્યવાળી નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાતમાં જનતાને વિનંતી કરી હતી કે તેઓ 50 દિવસ માટે આ તકલીફ સહન કરી લે. જો ત્યારબાદ પરિસ્થિતિ નહીં સુધરે તો પોતે કોઈ પણ સજા ભોગવવા તૈયાર થશે.
મોદીની જાહેરાતને પગલે લોકોને એમના એકાઉન્ટમાંથી રોકડ ઉપાડવા પર કડક નિયંત્રણો લગાવી દેવામાં આવ્યા હતા. એને કારણે એટીએમ ખાતે તેમજ બેન્કોમાં અઠવાડિયાઓ સુધી લોકોની લાંબી લાઈનો લાગી રહેતી હતી.