મુંબઈઃ 508 કિલોમીટર લાંબા મહત્ત્વાકાંક્ષી એવા મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, જેને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે એની પરની કામગીરી પર કોરોના વાઈરસ રોગચાળાને કારણે માઠી અસર પડશે. યોજના 2023ની ડેડલાઈનને સંભાળવામાં કદાચ નિષ્ફળ જશે, એમ અધિકારીઓનું કહેવું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનીઝ વડા પ્રધાન શિન્ઝો એબેએ 2017ની 14 સપ્ટેમ્બરે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ વિધિ સંપન્ન કર્યો હતો. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયા (17 અબજ ડોલર) છે.
કેન્દ્ર સરકાર હસ્તકની નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) કંપનીાન અચલ ખરેનું કહેવું છે કે હાલ કોરોના રોગચાળાને અમે ઘણા કામો હાથ ધરી શકતા નથી એટલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર માઠી અસર પડશે. રોગચાળો હજી ચાલુ છે એટલે આ યોજના પર કેટલી માઠી અસર પડશે એ અમે હાલ કહી શકીએ એમ નથી. જો પરિસ્થિતિ રાબેતા મુજબ રહી હોત તો યોજના ઘણી આગળ વધી ગઈ હોત, પરંતુ હવે બધું સાવ જ બદલાઈ ગયું છે.
બુલેટ ટ્રેન યોજનાના ભાગરૂપે ટનલ બાંધવામાં આવનાર છે. એ ટનલ 21-કિ.મી. લાંબી હશે અને તે મુંબઈમાં બીકેસી (બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ) અને થાણે જિલ્લાના બોઈસર વચ્ચે ખોદવામાં આવશે. આ ટનલનો સાત કિલોમીટરનો ભાગ દરિયાની નીચે હશે.
મેઈનલાઈન પર એક ડુંગરાળ ટનલ પણ હશે, જે 280 મીટરના વિસ્તારની હશે. મેઈનલાઈનમાં 24 નદીઓ, 30 રોડ અને કેનાલ પાર કરવામાં આવશે.
ગુજરાતમાં સાબરમતીમાં યોજનાને લગતું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે.
જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી અને કેન્દ્રીય રેલવે મંત્રાલયે 508-કિ.મી.ના કોરિડોર માટે સહયોગ કર્યો છે. આ યોજના માટે જાપાન આંશિક રીતે આર્થિક સહાયતા કરવાનું છે.
આ પ્રોજેક્ટ માટે કુલ 1,380 હેક્ટર જમીન હાંસલ કરવી પડે એમ છે. રેલવેએ એમાંની 479 હેક્ટર જમીન ખાનગી વ્યક્તિઓ પાસેથી પ્રાપ્ત કરી છે. 119 હેક્ટર જમીન સરકારી માલિકીની છે. આમ, 63 ટકા જમીન તો મેળવી લેવામાં આવી છે. આમાંની 77 ટકા જમીન ગુજરાતમાં છે. થોડીક દાદરા નગર હવેલીમાં અને બાકીની મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રના પાલઘર અને ગુજરાતના નવસારીમાં જમીન હાંસલ કરવામાં સમસ્યા નડી રહી છે.
508 કિ.મી.નું નેટવર્ક મહારાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી પસાર થશે – મુંબઈ, થાણે અને પાલઘર. જ્યારે ગુજરાતમાં આઠ જિલ્લામાંથી પસાર થશે – વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદ.
બુલેટ ટ્રેન કલાકના 350 કિ.મી.ની ઝડપે દોડશે અને 508 કિ.મી.નું અંતર બે કલાકમાં પૂરું કરશે. એની સામે હાલ મુંબઈ અને અમદાવાદ વચ્ચે ટ્રેન સફર સાત કલાકથી થોડાક વધારે સમયની થાય છે. ફ્લાઈટ્સમાં મુંબઈથી અમદાવાદ પહોંચતા એકાદ કલાક થાય.