મુંબઈ: ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં દહેશત ફેલાવનાર કરૉના વાયરસનો ડર સપ્તાહની શરુઆતમાં શેર માર્કેટ પર પણ જોવા મળ્યો. કરૉનાના ફેલાવાને લઈને વધતી જતી ચિંતા વચ્ચે જોખમકારક સંપત્તિઓની માંગમાં ઘટાડો થયો છે અને રોકાણકારો કેન્દ્રીય બજેટ 2020 પહેલા શેરમાર્કેટથી દૂર ભાગી રહ્યા છે.
સોમવારે સપ્તાહની શરુઆતમાં બીએસઈ સેન્સેક્સ 458.07 અંકના (1.10 ટકા) ઘટાડા સાથે 41,155.12 પર અને નિફ્ટી 129.25 અંકના ઘટાડા સાથે 12,119 પર બંધ આવ્યા છે.
માર્કેટ નિષ્ણાંતોનું કહેવું છે કે, કરૉના વાયરસ વૈશ્વિક નાણાકીય બજાર પર અસર કરી રહ્યો છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુસ્તીનો ડર વધી રહ્યો છે. ભારતમાં રોકાણકારો બજારની વેચવાલીમાં દબાણ વધારી રહ્યા છે અને આગામી સપ્તાહે બજેટ પહેલા સાવધાની રાખી રહ્યા છે. અર્થવ્યવસ્થા પર આની અસરને લઈને વધતી ચિંતાને પગલે લોકો સુરક્ષિત સંપત્તિઓમાં રોકાણને પ્રાથમિકતા આપી રહ્યા છે.
એલકેપી સિક્યોરિટીઝના રિસર્ચ હેડ એસ રંગનાથને કહ્યું કે, ચીનમાં ફેલાયેલા કરૉના વાયરસે ભારતીય શેરો પર અસર કરી છે, કારણ કે, નાણાકીય અને ધાતુઓની વેચવાલીનું નુકસાન ભોગવવું પડે છે. માત્ર પસંદગીના ફાર્માસ્યુટિકલ શેરોમાં તેજીને પગલે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં રહ્યો.
વૈશ્વિક શેર માર્કેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કેઈમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો જે પાંચ મહિનામાં ઈન્ટ્રાડેનો સૌથી મોટો ઘટાડો છે. અમેરિકાનો એસએન્ડપી મિની ફ્યૂચરમાં 1 ટકાનો ઘટાડો નોંધાયો. તો યુરોપીયન બજારોમાં પણ નકારાત્મકતાનો માહોલ જોવા મળ્યો.
બેંકોના શેરમાં ઘટાડો
સેન્સેક્સના આજના ઘટાડામાં ફાઈનાન્સ સેક્ટરનો મોટો હાથ રહ્યો. એસડીએફસી બેંકના શેરમાં 2.51 ટકાનો ઘટાડો નોંધાયો જ્યારે મોર્ટેઝ લેન્ડર એચડીએફસીમાં 2.25 ટકાનો ઘટાડો નોંધાયો. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈના શેરમાં 2.42 ટકાનો ઘટાડો નોંધાયો. તો બીજી તરફ બીએસઈ મેટલ્સ ઈન્ડેક્સ સૌથી મોટું સેક્ટોરલ લુઝર રહ્યું. આ ઈન્ડેક્સના તમામ કોમ્પોનેન્ટ રેડ ઝોનમાં રહા અને ઈન્ડેક્સમાં 2.95 ટકાનો ઘટાડો નોંધાયો.
ડોલર સામે રુપિયો નબળો પડતા તેની અસર પર શેર માર્કેટ પર જોવા મળી. ભારતીય રુપિયો 12 પૈસાના ઘટાડા સાથે યુએસ ડોલરની સામે 71.46 સ્તર પર પહોંચ્યો.