કંપનીના કર્મચારીઓની છટણી કરવાની યોજના નથીઃ ટ્વિટર

નવી દિલ્હીઃ અમેરિકામાં મંદીની આશંકાની વચ્ચે ટેક અને IT કંપનીઝના કર્મચારીઓને છટણીનો ડર સતાવી રહ્યો છે. દિગ્ગજ ટેક કંપની ટ્વિટરે પણ સ્પષ્ટતા કરી હતી કે કંપનીની છટણીની હાલ કોઈ યોજના નથી. વાસ્તવમાં અબજોપતિ એલન મસ્કે કંપનીને હસ્તાંતરણ કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ અહેવાલો વહેતા થયા હતા કે મસ્ક કંપનીમાં મોટા પાયે કર્મચારીઓની છટણી કરશે. ટ્વિટરના જનરલ કાઉન્સિલ સીન એડગેટે કર્મચારીઓને ઈમેઇલમાં જણાવ્યું હતું કે કંપની છટણીની યોજના નથી બનાવી રહી, આ મેઇલ મેળવનાર કર્મચારીએ આ માહિતી આપી હતી.

આ પહેલાં અમેરિકી ન્યૂઝપેપર વોશિંગ્ટન પોસ્ટે જણાવ્યું હતું કે મસ્કે ટ્વિટરની ખરીદીમાં સામેલ રોકાણકારોને જણાવ્યું હતું કે કંપનીના 75 ટકા એટલે કે 7500 કર્મચારીઓને નોકરીમાં કાઢવાની યોજના છે. આવનારા મહિનાઓમાં નોકરીકાપની અપેક્ષા છે, પછી કંપનીનો માલિક કોઈ પણ હોય, એમ અહેવાલ કહે છે. ટ્વિટરના હાલના મેનજમેન્ટે આવતા વર્ષના અંત સુધી કંપનીના પેરોલમાં આશરે 80 કરોડ ડોલરના કાપ કરવાની યોજના બનાવી છે, એમ અહેવાલ કહે છે. જોકે આ મુદ્દે કંપનીએ કોઈ પ્રતિક્રિયા નહોતી આપી.

કંપનીના HR ડિપાર્ટમેન્ટે કર્મચારીઓથી કહ્યું હતું કે એ મોટા પાયે છટણીની યોજના નથી બનાવી રહ્યા, પણ દસ્તાવેજોમાં કર્મચારીઓને બહાર કાઢવાની અને પાયાના માળખાના ખર્ચમાં કાપ કરવાની યોજના બતાવી હતી. મસ્કે ટ્વિટર સોદાને લઈને કહ્યું હતું કે તેઓ આ સોદામાં વધુ નાણાંની ચુકવણી કરી રહ્યા છે. ટ્વિટર લાંબા સમયથી નબળી પડી છે, પણ એમાં એક અવિશ્વસનીય ક્ષમતા છે, એમ તેમણે કહ્યું હતું.