ઉત્તર પ્રદેશમાં 7000થી વધુ મદરેસાઓ ગેરકાયદે

લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા હાલમાં કરવામાં આવેલા સર્વેમાં રાજ્યમાં 7000થી વધુ બિનમાન્યતા પ્રાપ્ત મદરેસાઓની ઓળખ કરવામાં આવી હતી. સરકાર દ્વારા અનિવાર્ય આવશ્યકતાઓને પૂરી કર્યા પછી બિનમાન્યતા પ્રાપ્ત મદરેસાને માન્યતા પ્રદાન કરવા માટે સર્વે કરાવવામાં આવી રહ્યો છે. બિનમાન્યતા પ્રાપ્ત મદરેસાઓની અંતિમ યાદી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 15 નવેમ્બરે સુધી રિપોર્ટ જમા કરાવ્યા પછી જારી કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશ બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશનના અધ્યક્ષ ઇફ્તિખાર અહેમદ જાવેદે કહ્યું હતું કે વાસ્તવિક સંખ્યા અને ઓળખ કરવાની પ્રક્રિયામાં હજી સમય લાગશે. અમે આશરે 7500 એવી મદરેસાઓનો અંદાજ લગાવ્યો છે, જેનું સર્વેક્ષણ ગુરુવાર સાંજ સુધી 75 જિલ્લાઓની ટીમો દ્વારા કરવામાં આવ્યો હતો. રાજ્યમાં 16,513 માન્યતા પ્રાપ્ત મદરેસાઓ છે. એમાંથી 560ને સરકારી અનુદાન આપવામાં આવે છે. એના શિક્ષણ અને બિનશૈક્ષણિક કર્મચારીઓને પગાર સરકાર દ્વારા આપવામાં આવે છે.

આ મદરેસાઓના શિક્ષકોને પગાર કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સેન્કડરી સ્કૂલોના શિક્ષકોના પગારધોરણની સમાન છે. તેમણે કહ્યું હતું કે 350 મદરેસા એવી છે, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 15થી ઓછી છે. મદરેસાઓના આધુનિકીકરણની યોજના હેઠળ 744 મદરેસાઓમાં શિક્ષા મિત્ર માટે દાન આપવામાં આવે છે. એ સાથે રજિસ્ટર્ડ મદરેસાઓના મેધાવી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. બિનમાન્યતા પ્રાપ્ત મદરેસાઓને હવે મદરેસા શિક્ષા બોર્ડ દ્વારા માન્યતા આપવામાં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે માન્યતા આપવા માટે એ જોવામાં આવે છે કે મદરેસામાં ક્લાસરૂમ, ટેબલ બેન્ચ, ખુરશીઓ, હવા ઉજાસ, પંખા અને શૌચાલયની અને અન્ય પ્રાથમિક સુવિધાઓ છે કે નહીં. ગોરખપુરમાં 150, લખનઉ, આઝમગઢ, વારાણસી અને મઉમાં 100, અલીગઢમાં 90, કાનપુરમાં 85, પ્રયાગરાજમાં 70 અને આગ્રામાં 35 બિનમાન્યતાપ્રાપ્ત મદરેસાઓ છે.