નવી દિલ્હીઃ દેશના ગ્રામિણ વિસ્તારોમાં 10 વર્ષથી લઈને 22 વર્ષની વયની વચ્ચેના આશરે છ કરોડ વિદ્યાર્થીઓને ડિજિટલ ક્ષેત્રે કાર્યનિપુણ બનાવવા માટે કેન્દ્ર સરકારની ઈ-ગવર્નન્સ (ઈલેક્ટ્રોનિક શાસન) સેવાઓના વિભાગ CSC અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ઈન્ફોસીસે સહયોગ કર્યો છે. કોમન સર્વિસીસ સેન્ટર્સ (સીએસસી) કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળની એક પેટા-કંપની છે.
આ વિદ્યાર્થીઓને ઈન્ફોસીસના ડિજિટલ પ્લેટફોર્મ – સ્પ્રિંગબોર્ડ મારફત ડિજિટલ કાર્યનિપુણતા માટેની તાલીમ અપાશે. આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓની કાર્યકુશળતા અને રોજગાર ક્ષમતામાં સુધારો થશે. સીએસસી અને ઈન્ફોસીસ દેશના ગ્રામિણ તથા સેમી-અર્બન વિસ્તારોમાં વંચિત વર્ગોનાં વિદ્યાર્થીઓની કાર્યનિપુણતા સુધારશે અને એમની વ્યાવસાયિક કુશળતા વિકસાવવામાં મદદ મળશે.