ક્રિસમસથી ક્રિસમસઃ 36 શેરોમાં 900% સુધીનું વળતર

મુંબઈઃ વર્ષ 2020 કોવિડ-19 રોગચાળાને લીધે શેરબજાર માટે એક અસામાન્ય વર્ષ રહ્યું. ગઈ ક્રિસમસથી આ ક્રિસમસ સુધીમાં શેરબજાર મલ્ટી યર લો સુધી પહોંચ્યું હતું, તો ત્યાંથી ફરી શેરબજાર છલાંગ લગાવીને નવા રેકોર્ડ સ્તર ઊંચાઈએ પણ પહોંચ્યું છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સે દ્વિઅંકી વળતર આપ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 13 ટકાનો ઉછાળો આવ્યો છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ આ સમયગાળામાં 19 અને 32 ટકા વધ્યા છે. એફઆઇઆઇએ રૂ. 1.5 લાખ કરોડનું મૂડીરોકાણ કર્યું છે.

લોકડાઉનના નિયમોમાં છૂટ, અર્થતંત્રમાં સુધારાના સંકેત, અપેક્ષાથી વધુ પ્રોત્સાહક સપ્ટેમ્બર પરિણામો,  આગામી વર્ષે મજબૂત ગ્રોથનો આશાવાદ, કોરોના વેક્સિનના મોરચે પોઝિટિવ સંકેત, સરકાર દ્વારા લાવવામાં આવેલા રાહત પેકેજો, સસ્તા વ્યાજદર અને રિઝ્વ બેન્કની અર્થતંત્રને ટેકો આપતી નીતિએ બજારનું સેન્ટિમેન્ટ તેજીમય કરી દીધું હતું.

આ બધાં કારણોને લીધે શેરો અને સેક્ટરો પર સકારાત્મક અસર થઈ હતી. ઓઇલ એન્ડ ગેસ અને બેન્ક ક્ષેત્ર સિવાય  અર્થતંત્રનાં મોટા ભાગનાં ક્ષેત્રોએ બજારની તેજીને વેગ આપ્યો હતો. જેથી બીએસઈ-500 ઇન્ડેક્સમાં સામેલ 65 ટકા શેરો તેજીની સાથે બંધ થયા હતા અને 50 ટકા શેરોએ ડબલ ડિજિટમાં ગ્રોથ બતાવ્યો.

આ એક વર્ષમાં 36 શેરો એવા હતા, જે મલ્ટિ બેગર સાબિત થયા. આ શેરો 100 ટકાથી 900 ટકા સુધીનું વળતર આપ્યું. આમાંથી મોટા ભાગના શેરો મિડકેપ અને સ્મોલ કેપ સંબંધિત છે. આ શેરોમાં તન્લા પ્લેટફોર્મ્સ, અદાણી ગ્રીન એનર્જી, આરતી ડ્રગ્સ, લોરસ લેબ્સ, IoL કેમિ., આલ્કલી એમાઇન્સ કેમિ., બિરલાસોફ્ટ, ડિક્શન ટેક્નો., ઇન્ડિયા માર્ટ ઇન્ટરમેશ, ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા, નવીન ફ્લોરો., એફલ ઇન્ડિયા, જેબી કેમિ., અદાણી ગેસ, અદાણી એન્ટર., એપીએલ એપોલો ટ્યૂબ્સ, ટાટા એલેક્સી, દીવીઝ લેબ, માઇન્ડટ્રી, એલએન્ડટી ઇન્ફોટેક અને એસ્કોર્ટ્સ સામેલ છે.