ધીરજ રાખો, બચત કરોઃ ‘ચિત્રલેખા.કોમ-આદિત્ય બિરલા કેપિટલ વેબિનાર’માં આર્થિક નિષ્ણાતોની સલાહ

મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો અને એને રોકવા લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનથી સર્જાયેલી આર્થિક કટોકટીનો આ મુશ્કેલ સમય પણ પસાર થઈ જશે. એ માટે સહુએ ધીરજ રાખવાની છે અને નાણાંની શક્ય એટલી બચત કરવાની છે એવી સલાહ આર્થિક જગતના નિષ્ણાતોએ ‘ચિત્રલેખા.કોમ’ અને ‘આદિત્ય બિરલા કેપિટલ’ દ્વારા રવિવારે સંયુક્તપણે આયોજિત એક વેબિનારમાં લોકોને આપી હતી.

આ વેબિનારનો વિષય હતોઃ ‘વ્યક્તિગત આર્થિક આયોજનઃ સમયની તાતી જરૂરિયાત.’

આ વેબિનારમાં આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુશન  ડેવલપમેન્ટના હેડ કે.એસ. રાવ, આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના બિઝનેસ ડેવલપમેન્ટના હેડ મનીષ ઠક્કર અને ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ ભાગ લીધો હતો. જ્યારે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના સાધુ જ્ઞાનવત્સલદાસે પ્રારંભિક સંબોધન કર્યું હતું. કાર્યક્રમના મોડરેટર હતા જાણીતા આર્થિક પત્રકાર જયેશ ચિતલિયા.

વેબિનારની શરૂઆતમાં સાધુ જ્ઞાનવત્સલ દાસે કહ્યું હતું કે કોરોના બીમારીએ આપણને સહુને કંઈને કંઈ શીખડાવ્યું છે. લોકોએ પોતાના નાણાંની બચત કરવાનું પણ શીખવાનું છે. જરૂર હોય એટલો જ ખર્ચ કરવો જોઈએ.

સ્વામી જ્ઞાનવત્સલદાસે કોરોના વાઈરસ મહાબીમારી, આરોગ્યની સંભાળ, સકારાત્મક વલણ અને બચતના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. એમણે કહ્યું કે કોરોના બીમારીને કારણે ભલે અનિચ્છનીય સમય સર્જાયો છે, પણ એને આપણે અપનાવવો જ રહ્યો. કોરોનાએ આપણને ઘણા પાઠ ભણાવ્યા છે. એમાંથી જ આપણે વિકાસ સાધવાનો છે, પ્રગતિ કરવાની છે. સાથોસાથ, આપણે સૌએ આપણા આરોગ્યની પણ કાળજી લેવાની છે. આ સંકટકાળમાં જે તક મળે એને ઝડપી લેવાની જરૂર છે. પરિસ્થિતિથી હતાશ થવાનું નથી. લોકો બચત કરે એવો આગ્રહ સ્વામી જ્ઞાનવત્સલદાસે કર્યો હતો અને કહ્યું કે જરૂર હોય એટલો જ ખર્ચ કરવો જોઈએ. દેખાડો કરવા માટે ખર્ચ કરવાનું ટાળવું જોઈએ, એની બદલે બચત કરવી જોઈએ જેથી આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે એ રકમ કામમાં લાગે.

દેશની અર્થવ્યવસ્થામાં એકંદર રીકવરી ક્યારે આવશે? એવા મોડરેટર ચિતલિયાના સવાલના જવાબમાં કે.એસ. રાવે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતનું અર્થતંત્ર ચોક્કસ રીકવર થશે, પણ એમાં થોડોક સમય લાગશે. ઘણા ક્ષેત્રોને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે જે સ્ટીમ્યુલર પેકેજ જાહેર કર્યા છે એના પરથી કહી શકાય કે સરકાર સકારાત્મક નજરે બધું જુએ છે.

મ્યુચ્યુઅલ ફંડ વિશે રાવે કહ્યું કે, લિક્વિડી માર્કેટને ડ્રાઈવ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ આપોઆપ ચાલે છે. આ ઉદ્યોગ વધારે મજબૂત થશે. ‘મ્યુચ્યુઅલ ફંડ સહી થા, સહી હૈ, સહી રહેગા.’ ફૂગાવો ઘટી ગયો છે અને નવા ઈન્વેસ્ટરો માર્કેટમાં આવી રહ્યા છે. સામાન્ય ઈન્વેસ્ટરોએ મ્યુચ્યુઅલ ફંડમાં વિશ્વાસ જાળવી રાખવાની જરૂર છે.

મનીષ ઠક્કરનું કહેવું હતું કે ઈન્વેસ્ટરોએ ધીરજ રાખવી જરૂર છે. મૂડીરોકાણમાં વ્યક્તિની ઉંમર, આશા, સમય મુદ્દાઓનું મહત્ત્વ હોય છે. જેમની ઉંમર 30-35 વર્ષ છે એમણે ઈક્વિટીમાં પૈસા રોકવા જોઈએ. આવનારા દિવસોમાં મ્યુચ્યુઅલ ફંડની કામગીરીમાં સુધારો આવશે. સૌ સકારાત્મક રહીશું તો સારું રિટર્ન મળશે.

ઠક્કરે વધુમાં કહ્યું કે, એક જ એસેટમાં બધા પૈસા રોકી દેવા ન જોઈએ. ભયનું વાતાવરણ સર્જાયું હોય ત્યારે માર્કેટમાંથી નીકળી જવું એ બરાબર નથી. ભયને કારણે સંતુલન બગડે એટલે જ પરિસ્થિતિ બગડતી હોય છે.

ગૌરવ મશરૂવાળાએ સ્પષ્ટ સલાહ આપી કે હાલના સંકટમાં પણ લોકોએ ગભરાવાનું નથી. આપણે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ‘રસ્તાનો વળાંક આવે એટલે રસ્તાનો અંત એવું સમજવું નહીં. પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ રહેવું જોઈએ. If you will Predict, you will Panic.

મશરૂવાળાએ વધુમાં કહ્યું કે, લોકોએ ઈમરજન્સી ફંડ ઊભું કરવું જોઈએ. ભલે એક સાથે નહીં તો તબક્કાવાર રીતે. આ સંકટના સમયમાં લોકો નવી રીતે કામ કરતા શીખશે.

મોડરેટર જયેશ ચિતલિયાએ દ્રઢપણે એવી માન્યતા વ્યક્ત કરી હતી કે, SIP (સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) બંધ કરવા ન જોઈએ. એમાં લાભ છે. પૈસાની અત્યંત જરૂર ન હોય તો SIP ક્લોઝ કરવા ન જોઈએ.

વેબિનારની શરૂઆતમાં ચિતલિયાએ ‘ચિત્રલેખા’ મેગેઝિનની સિદ્ધિઓની છણાવટ કરી હતી. એમણે કહ્યું કે ‘ચિત્રલેખા’ મેગેઝિન સમયની સાથે અને સમયથી આગળ પણ રહ્યું છે. તેના ડિજિટલ પ્લેટફોર્મ ‘ચિત્રલેખા.કોમ’ના લાખો વ્યૂઅર્સ છે. ખાસ કરીને અમેરિકા, યૂકેના ગુજરાતીઓ આ ડિજિટલ પ્લેટફોર્મની નિયમિત મુલાકાત લે છે અને ભારત વિશેના સમાચારોથી અપડેટ રહે છે.

‘ચિત્રલેખા.કોમ’ને બે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. એક, ગુજરાતી વિધાનસભાની ચૂંટણીના કવરેજ માટે અને બીજો, ઈન્સ્પિરેશનલ (પ્રેરણાત્મક) વિડિયો-વાર્તા માટે. ‘ચિત્રલેખા’ અને ‘આદિત્ય બિરલા કેપિટલ સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડે’ સાથે મળીને દેશના જુદા જુદા શહેરોમાં અત્યાર સુધીમાં 37 સેમિનાર કર્યા છે, પણ ‘ચિત્રલેખા’ના ડિજિટલ પ્લેટફોર્મ પર આ પહેલો વેબિનાર છે.