BSEએ ગોલ્ડ મિની, સિલ્વરના સ્પોટ પ્રાઈસ આધારિત ઓપ્શન્સ લોન્ચ કર્યા

મુંબઈ તા.1 જૂન, 2020ઃ અગ્રણી સ્ટોક એક્સચેન્જ બીએસઈએ આજથી સોના અને ચાંદીના સ્પોટ પ્રાઈસીસ આધારિત ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ લોન્ચ કર્યા છે. સેબીના પૂર્ણ સમયના મેમ્બર એસ. કે મોહન્તીએ આ કોન્ટ્રેક્ટ લોન્ચ કરતાં કહ્યું કે આ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કરવા માટેનો આ સૌથી યોગ્ય સમય છે.

આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે આ ગોલ્ડ મિની અને સિલ્વર ઓપ્શન્સ ઉપલબ્ધ થવાને પગલે નાના ઝવેરીઓ, રિટેલરો તેમના પ્રાઈસ રિસ્કને હેજ કરવા બીએસઈના કોમોડિટી પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે.

બીએસઈના કોમોડિટી બિઝનેસ હેડ સમીર પાટીલે કહ્યું કે આ કોન્ટ્રેક્ટ ડિલિવરીપાત્ર છે અને તેની સમપ્તિ સમયે ફિઝિકલ ડિલિવરીમાં પરિણમશે.

સિક્યુરિટીઝ કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન્સ એક્ટમાં તાજેતરમાં કરાયેલા સુધારાને પગલે આ બંને કોમોડિટીઝના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ લોન્ચ કરી શકાયા છે.

આ કોન્ટ્રેક્ટ્સમાં ગોલ્ડ 100 ગ્રામના છે અને સિલ્વર એક કિલોના છે. આ કોન્ટ્રેક્ટ્સ બંને કીમતી ધાતુઓના સ્પોટ પ્રાઈસ આધારિત હોવાથી તે સ્પોટ માર્કેટ્સની એક્ઝેક્ટ રિપ્લિકા છે, એમ બીએસઈના એક અધિકારીએ જણાવ્યું હતું. અન્ય એક્સચેન્જમાં આનાથી પણ નાના કદના ઓપ્શન્સ ઉપલબ્ધ છે તો ભવિષ્યમાં એક્સચેન્જ એવા ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કરશે કે એના જવાબમાં એક્સચેન્જના અધિકારીએ કહ્યું હતું ગોલ્ડ અને સિલ્વરના આ કોન્ટ્રેક્ટ્સ બજારમાં વધુ આવશ્યક હોઈ એ પ્રથમ લોન્ચ કરવામાં આવ્યા છે, ભવિષ્યમાં અમે અમારી પ્રોડક્ટ્સ રેન્જ જરૂર વિસ્તારીશું.