મિલિટરી ઈન્ટેલિજન્સે દિલ્હીમાં પાકિસ્તાની જાસૂસોની ધરપકડ કરી

નવી દિલ્હી: દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ દ્વારા પાકિસ્તાન હાઈ કમિશનના બે વિઝા અધિકારીઓ અને તેના ડ્રાઈવરની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર બંને અધિકારીઓએ બોગસ ડોક્યુમેન્ટને આધારે ભારતીય ઓળખ મેળવી હતી. પાકિસ્તાન હાઈ કમિશનના આ બંને અધિકારીઓ જાસૂસીમાં સંડોવાયેલા હોવાની માહિતી છે. આ બંનેની કરોલબાગમાંથી ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યાં મુજબ આ અધિકારીઓના નામ આબિદ હુસેન (42) અને તાહિર ખાન (44) છે. બંને વિઝા આસિસ્ટન્ટ તરીકે હાઈ કમિશનમાં કામ કરી રહ્યાં હતાં. તથા આઈએસઆઈ ઓપરેટિવ છે. તેમની પાસેથી ગીતા કોલોની નિવાસી નાસિર ગોતમ (Nasir Gotam)ના નામથી એક નકલી આધાર કાર્ડ મળ્યું છે. આ સાથે જ પોલીસે બે એપલ આઈફોન અને 15000 રૂપિયા રોકડ પણ જપ્ત કર્યા છે.

આ ઓપરેશન દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને મિલિટરી ઈન્ટેલિજન્સ (MI) દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારતે આ મામલે આકરો વિરોધ નોંધાવ્યો છે અને પાકિસ્તાન સામે આપત્તિ પત્ર જાહેર કર્યું છે.

સામા પક્ષે પાકિસ્તાને પોતાના અધિકારીઓ પર લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવતા ભારતની કાર્યવાહીની ટીકા કરી છે. પાકિસ્તાને આ ઘટનાને એક પૂર્વઆયોજિત ષડયંત્ર ગણાવ્યું છે. તેનો દાવો છે કે દિલ્હીમાં તેના દૂતાવાસે હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદા અને રાજદ્વારી માપદંડો મુજબ કામ કર્યું છે.