ધનિકયાદીમાંથી બહાર થયાં અને હવે ચીની બેંકોએ વધારી અનિલ અંબાણીની મુશ્કેલી

નવી દિલ્હી– કહેવાય છે કે, માણસનો જ્યારે ખરાબ સમય ચાલતો હોય તો બધાં પાસાં ઉલટાં જ પડે છે. આ કહેવત અનિલ અંબાણી પર એકદમ બંધબેસતી બની રહી છે. વર્ષ 2008માં ફોર્બ્સ લીસ્ટમાં અનિલ અંબાણી દુનિયા છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ હતાં. તેના 11 વર્ષ પછી અનિલ અંબાણી તેમની પ્રતિષ્ઠા બચાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. અનિલ અંબાણી હવે અબજોપતિના લિસ્ટમાંથી બાહર થઈ ગયા છે. ત્યાં હવે ચીનની બેંકો તરફથી અનિલ અંબાણી માટે વધુ એક ટેન્શન ઉભું થયું છે.

હકીકતમાં ચાઇના ડેવલપમેન્ટ બેન્ક, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇના અને એક્ઝિમ બેન્ક ઓફ ચાઈના સહિતના કેટલાક ચાઇનીઝ ધિરાણકર્તાઓનું અનિલ અંબાણીની રીલાયન્સ કોમ્યુનિકેશન્સ પર ઓછામાં ઓછા 2.1 અબજ ડોલર (15 હજાર કરોડ રૂપિયા)નું ઋણ બાકી છે.

કંપનીએ શેરબજારને આપેલ માહિતીમાં જણાવ્યું હતું કે, ચાઈના ડેવલપમેન્ટ બેંક રૂ.9860 કરોડ(1.4 અબજ ડોલર)ની લોન સાથે ટેલિકોમ કંપનીનો સૌથી મોટી લેણદાર હતી. આ ઉપરાંત એક્ઝિમ બેંક ઓફ ચાઈનાએ રૂ.3360 અબજની માગણી કરી હતી, જ્યારે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇનાએ રૂ.1557 કરોડની બાકી ચૂકવણીનો દાવો કર્યો હતો.

અનિલ અંબાણીના સંપૂર્ણ કારોબારની જો વાત કરીએ તો હાલ તેમની પાસે 3651 કરોડ રૂપિયાની સંપત્તિ રહી ગઈ છે.  જો અંબાણીની આ સપંત્તિમાં ગિરવે મુકેલા શેરની કિંમત પણ સામેલ છે. જો આ રકમને અલગ કરી દેવામાં આવે તો અનિલ અંબાણીની સંપત્તિ 765 કરોડ રૂપિયાથી પણ ઓછી રહી જાય છે. આ પહેલા અંદાજે 4 મહિના અગાઉ અનિલ અંબાણીના રિલાયન્સ જૂથની કુલ કિંમત 8 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.

જો રિલાયન્સ ગ્રુપના કુલ ઋણની વાત કરીએ 1 લાખ કરોડથી પણ વધુનું છે. માર્ચ 2018ના આંકડા અનુસાર રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ કેપિટલ પર 46,400 કરોડ રૂપિયાનું ઋણ છે. એજ રીતે આરકોમ 47,234 કરોડ રૂપિયાના કર્જમાં ડુબેલી છે. રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને ઈન્ફ્રાનું કુલ ઋણ 36 હજાર કરોડ રૂપિયા છે, જ્યારે રિલાયન્સ પાવર પર 31 હજાર કરોડ રૂપિયાથી વધુનું દેવુ છે.

અનિલ અંબાણીના ભાઈ મૂકેશ અંબાણીએ અગાઉ રૂ.17,300 કરોડની કિંમતે આરકોમને ખરીદવા માટે ઓફર કરી હતી, જેને અંશત: ધિરાણકર્તાઓની બાકી ચૂકવણી કરવામાં મદદ કરી હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]