ગુજરાતને આ ટ્રેડ ફેરમાં મળ્યાં 2,200 કરોડથી વધુના ઓર્ડર્સ

અમદાવાદ: આપણું રાજ્ય કાપડ ઉદ્યોગમાં સારી એવી નામના ધરાવે છે જેને લઇને દેશવિદેશમાં ધમધોકાર વેપાર ચાલે છે. ત્યારે આ ઉદ્યોગના લાભાર્થે ગુજરાતના અને વિશેષ તો અમદાવાદ આસપાસના કાપડના વેપારીઓ અને ઉત્પાદકો માટે યોજાયેલા ટ્રેડફેર ફેબેક્સાનું સમાપન થઇ ગયું છે. જેમાં ₹2,200 કરોડથી વધુના ઓર્ડર દેશભરના હોલસેલર્સ કે ઉત્પાદકો પાસેથી મળ્યાં છે.ફેરના ત્રણ દિવસમાં મોટા પાયે બીટુબી મીટિંગ યોજાઈ હતી અને 4,300થી વધુ વેપારીઓએ ભાગ લીધો હતો.ફેબેક્સામાં સૌથી વધુ શર્ટિંગના ઓર્ડર અગ્રણી બ્રાન્ડ પાસેથી મળ્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

અગાઉ મસ્કતી માર્કેટના આયોજનમાં કરાયેલા બે ટ્રેડ ફેર કરતાં વધુ સારો પ્રતિસાદ મળ્યો હતો.જેને લઇને ₹2,200 કરોડથી વધુના ઓર્ડર મળ્યા છે.મસ્કતી માર્કેટ મહાજને આ વખતે પોતાની રીતે ટ્રેડ બિઝનેસનો વ્યાપ વધે તે માટે ફેબેક્સા બ્રાંડથી તેમનો ટ્રેડ ફેર લોન્ચ કર્યો હતો. હવે મસ્કતી માર્કેટ આ ફેરને વધુ મજબૂત બનાવીને સ્થાનિક ઉત્પાદકો અને વેપારીઓને વધુ બિઝનેસ મળે તેવું આયોજન આગામી દિવસોમાં કરશે. અગાઉના ફાર્મ ટુ ફેશનમાં ₹1,000 કરોડ અને બીજી વખત ચેમ્બર ઓફ કોમર્સની સાથે યોજેલા ટ્રેડ ફેરમાં ₹2,000 કરોડના ઓર્ડર મળ્યા હતા. તેની સામે ટૂંકા ગા‌ળામાં ફેબેક્સાને ₹2,200 કરોડથી પણ વધુના એટલે કે આગામી ચાર મહિનાના ફોરવર્ડ ઓર્ડર મળ્યા છે. આ ઓર્ડરને પગલે ટેક્સટાઇલ ઉદ્યોગમાં આગામી ચાર મહિનામાં વેપારીઓ અને ઉત્પાદકો પાસે કામગીરી વધવાને પગલે રોજગારી ટકશે અને વધશે.આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી મહિનાઓમાં નવેમ્બરની આસપાસ પણ વધુ એક ટ્રેડ ફેર કરવા માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે.