ઈ-કોમર્સ કંપનીઓ અને સોશિઅલ મીડિયા કંપનીઓએ ભારતમાં જ સ્ટોર કરવો પડશે ડેટા

નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટ જેવી ઇકોમર્સ કંપનીઓ અને સોશિઅલ મીડિયા કંપનીઓએ પોતાના યુઝર્સનો ડેટા ભારતમાં જ રાખવો પડી શકે છે. ઇ કોમર્સની રાષ્ટ્રીય નીતિના ડ્રાફ્ટમાં આમ જણાવવામાં આવ્યું છે.

સરકારે રાષ્ટ્રીય ઇ-વાણિજ્ય નીતિ તૈયાર કરવા માટે વાણિજ્યપ્રધાન સુરેશ પ્રભુની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવી છે. જેની બીજી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ છે. આ સમિતિમાં વિભિન્ન સરકારી વિભાગો અને ખાનગી ક્ષેત્રના સભ્યો શામેલ છે. ત્યારે અધિકૃત સૂત્રોના હવાલે ખબર આવ્યાં છે કે સરકાર કંપની કાયદામાં પણ સંશોધન કરી શકે છે. જેનાથી ઇ કોમર્સ કંપનીઓમાં સંસ્થાપકોની ભાગીદારી ઘટવા છતાં તેમનું નિયંત્રણ રહી શકે છે.

આ ડ્રાફ્ટ પ્રમાણે ઇન્ટરનેટ ઓફ થિંગ્ઝમાં-આઈઓટી દ્વારા મેળવાયેલ કોમ્યૂનિટી ડેટા, ઇ કોમર્સ પ્લેટફોર્મ, સોશિઅલ મીડિયા, સર્ચ એન્જીન વગેરે સ્ત્રોત થકી યુઝર્સ સર્જિત ડેટા શામેલ હોય તેને ભારતમાં જ રાખવાની આવશ્યક્તા રહેશે.

ડ્રાફ્ટમાં એમ પણ જણાવાયું છે કે સરકારની રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વજનિક નીતિના હેતુથી ભારતમાં રાખેલા ડેટા સુધી પહોંચ રહેશે. યુઝર્સે સર્જેલા આંકડા તેમના અનુરોધ પર દેશના જુદાજુદા મંચ પર મોકલી શકાશે, સાથે જ ધરેલું કંપનીઓને સમાન અવસર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે માટે સુનિશ્ચિત કરવામાં આવશે કે ઇ કોમર્સ લેણદેણમાં શામેલ વિદેશી વેબસાઇટ આ નિયમોનું પાલન કરે.

ડ્રાફ્ટમાં ઇ કોમર્સ ક્ષેત્રમાં એફડીઆઈ સંબંધિત ફરિયાદોના નિવારણ માટે ઇડીમાં એક અલગ વિંગ પણ રચવામાં આવે તેવું સૂચન કરાયું છે.

ઇ કોમર્સ કંપનીઓ પર બ્રાન્ડેડ વસ્તુઓ, ખાસ કરીને મોબાઇલ ફોનની જથ્થાબંધ ખરીદી પર પ્રતિબંધ આવી શકે છે કારણ કે તેનાથી કીમતોમાં ગોટાળો થતો હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]