ટ્રાઈ ચીફ vs હેકર્સ: UIDAIએ હેકર્સના દાવાને નકારી કાઢ્યો

નવી દિલ્હી- આધાર કાર્ડની વિગતો ઈન્ટરનેટ પર લીક થવી એ ઘણા સમયથી ચાલી રહ્યું છે. અનેક વખત ઈન્ટરનેટ સર્ચમાંથી લોકોની માહિતી ઉપલબ્ધ થઈ હોવાના દાવાઓ કરાયા છે. તો ક્યારેક સરકારી વેબસાઈટ ઉપર પણ માહિતી સરળતાથી મળી રહેતી હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે આધાર સિક્યોરિટી તરફથી દરેક વખતે એવો દાવો કરવામાં આવ્યો છે કે, તમામ માહિતી સિક્યોર છે. જેને લીક કરી શકાતી નથી. તો કેટલાક હેકર્સ પણ દાવો કરતા રહ્યાં છે કે, આધારની સુરક્ષામાં સરળતાથી ગાબડું પાડી શકાય છે.ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ આર.એસ. શર્માએ પોતાનો આધાર નંબર જાહેર કર્યો હતો. સાથે જ તેમણે ચેલેન્જ કરી કે, આધાર નંબર સાર્વજનિક કરવા છતાં કોઈ તેમનો ડેટા હેક કરી શકે નહીં. તેમની આ ચેલેન્જ પછી ટ્વીટર પર એક વ્યક્તિએ પર્સનલ જાણકારી ચોરી કર્યાનો દાવો કર્યો હતો. જોકે UIDAIએ આ દાવાને નકારી દેતાં કહ્યું કે, આ વ્યક્તિએ આર.એસ. શર્માની પર્સનલ જાણકારી આધાર ડેટાબેસથી ચોરી નથી.

ફ્રાન્સના સુરક્ષા નિષ્ણાંતે દાવો કર્યો કે, તેણે આર.એસ. શર્માના આધાર નંબરથી તેમની ખાનગી માહિતીઓ ચોરી છે. જેમાં શર્માનું સરનામું, બર્થ ડેટ, વૈકલ્પિક ફોન નંબર, પેન નંબર વગેરે સાર્વજનિક કર્યા હતા. વધુમાં તેણે જણાવ્યું કે, આધાર નંબર સાર્વજનિક કરવાથી ઘણું જોખમ સર્જાઈ શકે છે.

ફ્રાન્સના સુરક્ષા નિષ્ણાંતના દાવાને ફગાવતા UIDAIએ કહ્યું કે, ટ્વીટર પર આર.એસ. શર્મા સાથે જોડાયેલી જે પણ જાણકારી પોસ્ટ કરવામાં આવી છે તે આધારના ડેટાબેસ અથવા UIDAIના સર્વરથી લેવામાં આવી નથી. UIDAIએ કહ્યું કે, આર.એસ. શર્મા સરકારી અધિકારી છે અને આ કથિત હેક્ડ જાણકારી સાર્વજનિક રીતે ગુગલ અને અન્ય વેબસાઇટ્સ પર ઘણા વર્ષોથી ઉપલબ્ધ છે.