શું બજાર તૂટ્યું એટલે બજેટ બુરું? બજેટમાં સારું ઘણું–ઘણું છે, તેને સમય આપો!

જયેશ ચિતલિયા

નવા દાયકાનું સૌથી કપરું ગણાયેલું બજેટ કપરું તો નહીં, કિંતુ થોડું કોમ્પલેક્ષ જરૂર નીકળયું એમ કહી શકાય. નાણાં પ્રધાને જેટલું લાંબું પ્રવચન આપ્યું તેટલું બજેટમાં કંઈ નકકર આપ્યું નથી એવું પહેલી નજરે ચોકકસ લાગી શકે. કિંતુ બજેટને બારીકાઈથી જોવામાં આવે તો સંખ્યાબંધ નાની-નાની જાહેરાત એવી છે જે અર્થતંત્રને , ઉત્પાદનને અને રોજગાર સર્જનને વેગ આપશે. ખાસ કરીને કૃષિ સેકટર અને ઉત્પાદનને વિશેષ વેગ આપશે. અલબત્ત, શેરબજારે એક હજાર પોઈન્ટનું ગાબડું પાડીને પહેલી ઈમેજ બજેટ બુરું હોવાની ઊભી કરી છે. આ ખરેખર તો બજારનો સ્વભાવ રહયો છે, ઊંચી અપેક્ષા રાખો, માત્ર પોતાની માટે આશા રાખો અને પછી  ઊંચી નિરાશા દર્શાવો, પરંતુ હા, બજાર શાણું પણ હોય છે, તે સાવ અણસમજુ નથી, તેની માટે તાત્કાલિક કંઈ નથી , એટલે તેણે નિરાશા બતાવી છે. બાકી જેમ બજેટની જાહેરાતોનો  ઉઘાડ થશે તેમ બજાર રિકરવી પણ બતાવશે. શોર્ટ ટર્મ માટે બજારને નિરાશા  મળી છે, કિંતુ લોંગ ટર્મ માટે આશા રાખી શકાય એવું ઘણું છે, જેને સમય આપવો પડશે. આપણે અહિ આશા-નિરાશા બંનેને સમજવાનો પ્રયાસ કરીએ.

કરદાતાની વાતમાં કન્ફ્યુઝન

નાણાં પ્રધાને કરદાતાઓને ટેકસ સ્લેબમાં  રાહત તો આપી,પરંતુ રાહત સાથે ગુંચવણ પણ આપી છે. ઈન્કમ ટેકસના દર ઓછાં કરવા સાથે નાણાં પ્રધાને સંખ્યાબંધ ડિડકશન (કર કપાત-રાહત)  પાછાં ખેંચી લીધા છે. જો કે નાણાં પ્રધાને કરદાતાઓને વિકલ્પ આપ્યો છે, કાં કપાતનો લાભ લો અથવા નીચા દરનો લાભ લો. આ લાભ કયાં વધુ અને કઈ રીતે વધુ છે તે સમજવું કરદાતા માટે સરળ નહી હોય, તેણે ફરજિયાત ટેકસ કન્સલટન્ટની સલાહ લેવી પડશે. આમાં પણ હજી કયા ડિડકશન રહેશે કયા નાબુદ થઈ જશે એ પુરેપુરું સ્પષ્ટ નથી. આ સત્ય હવેપછી બહાર આવી શકે. જો કે એક સારું પરિબળ એ કહી શકાય કે જેઓ અત્યારસુધી માત્ર ટેકસ બચાવવા માટે રોકાણ કરતા હતા તેઓને હવે આવું કરવું પડશે નહીં. તેઓ નીચા કરના દરનો સીધો લાભ લઈ શકશે.  એક વાત એ પણ નોંધવી રહી કે કરદાતાઓની પરેશાની-હેરાનગતિ ન થાય એ માટે સરકાર સક્રિય બની છે. નવી એસેસમેન્ટ સ્કીમમાં માનવ દરમ્યાનગીરી દુર કરીને સરકારે મોટી રાહત આપી ગણી શકાય. આ ઉપરાંત વિવાદ સે વિશ્વાસ તકની સ્કીમ પણ આવકાર્ય કહી શકાય. કર વિવાદ ઘટે એ દેશના હિતમાં છે. સરળીકરણ પણ આ વિષયમાં સૌથી મહત્ત્વનું પરિબળ છે.  જીએસટી માટે પણ સરકાર એપ્રિલથી નવું સરળ ફોર્મ લાવશે.

નિરાશાની વાત

બજેટે કોઈ એક સેકટરને કંઈ જ નકકર કહી શકાય એવું આપ્યું નથી. દાખલા તરીકે ઓટો સેકટર, રિઅલ્ટી સેકટર, વગેરેને મોટી આશા હતી. નિકાસ માટે પણ સીધેસીધો લાભ દેખાય એવું પણ જાહેર થયું નથી. રોજગાર સર્જન માટે પણ સચોટ અને તાત્કાલિક  પરિણામ આપે એવું પણ નહીંવત સમાન છે. બચતને પ્રોત્સાહન મળે કે સિનીયર સીટિઝનને રાહત થાય એવી કોઈ જાહેરાતનો અભાવ છે.

કંપનીઓને કર રાહત આવકાર્ય

આ વાત થઈ વ્યકિતગત આવક વેરાની. બાકી કોર્પોરેટ -કંપનીઓ પરના આવકવેરામાં બજેટે અગાઉની જાહેરાત મુજબ રાહત આપી જ છે, જેથી આ કરનો દર વિશ્વમાં ઘણાં દેશોની તુલનાએ નીચો થઈ ગયો છે. નવી કંપની  ઉત્પાદન એક  સ્થાપે ત્યારે તેને માત્ર 15 ટકા ઈન્કમ ટેકસ લાગશે. વિદેશી કંપનીઓ આને કારણે ભારતમાં ઉત્પાદન એકમ સ્થાપવા આગળ આવે એવું માની શકાય. ખાસ કરીને હાલ જયારે ચીનમાં કોરોનો વાઈરસની સ્થિતી ફેલાઈ છે  અને ગ્લોબલ સ્તરે અનિશ્રિંતતા  પ્રવર્તી રહી છે ત્યારે પણ ભારત ઈન્વેસ્ટમેન્ટનું  આકર્ષક કેન્દ્ર બની શકે.  પાવર સેકટરની કંપનીઓને પણ આ કર રાહતનો લાભ અપાયો એ નોંધવું મહત્ત્વનું છે. કંપનીઓને ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેકસમાં રાહત આપીને પણ બજેટે તેનો બોજ ઘટાડયો છે.

કૃષિ માટે  નવો અભિગમ સમજવો જરૂરી

ખેડુતોની આવક બમણી કરવી , સામાજીક યોજનાઓ પાછળ મોટેપાયે નાણાં ખર્ચ કરવા વગેરે જેવી બાબતો  સરકારે માત્ર ફરી-ફરી દોહરાવી છે. કિંતુ કિસાનને ધિરાણમાં સુવિધા, કિસાન રેલ, કિસાન ઉડાન વગેરે જેવી બાબતો નવી કહી શકાય. નોન-બેન્ંિકગ ફાઈનાન્સ કંપનીઓને તેમ જ કો-ઓ બેંકોને ધિરાણ બાબતે સક્રિય બનવાની બાબત આવકાર્ય કહી શકાય. આ જ રીતે વેરહાઉસિંગની સુવિધા , લોજિસ્ટીક , સોલાર એનર્જી, જળ પુરવઠાની વ્યવસ્થા, મહિલાઓ માટે રોજગાર તક, વગેરેનો સપોર્ટ પણ આવકાર્ય કહેવાય. આ સાથે હોર્ટીકલ્ચરને પ્રોત્સાહન વગેરે જેવા પગલાં આખરે તો નિકાસને વેગ આપવામાં મહત્ત્વની ભુમિકા ભજવશે.

બેંકના ડિપોઝિટ ધારકોને રાહત

હજી થોડા મહિના પહેલાની પીએમસી  (પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓ.બેંક) બેંકની કટોકટીમાં અનેક ખાતા ધારકોના નાણાં અટવાયા ત્યારે  બેંકમાં મુકાયેલા નાણાં કેટલા સલામત છે એ સવાલો ઊઠયા હતા અને એ સમયે બેંકમાં મુકાયેલી-જમા કરાયેલી રકમ કેટલી પણ હોય તેનું વીમા રક્ષણ માત્ર એક લાખ રૂપિયા જેટલું જ  હતું . અર્થાત બેંક ડુબે કે નાદાર થાય તો ધારકને માત્ર એક લાખ રૂપિયા સુધીની રકમ વીમા પેટે પાછી મળતી. આ રકમ લગભગ અઢી દાયકાથી એની એ જ રહી હતી. આ બજેટમાં આ વીમા રક્ષણની રકમ વધારીને પાંચ લાખ કરી દેવાઈ છે. આ કદમ મારફત  બેંક ખાતા ધારકોને મોટી રાહત મળી છે.

સિનીયર સિટીઝન્સની અપેક્ષા ફળી

સિનીયર સિટીઝનને બેંકોમાં ડિપોઝીટ પર મળતા નીચા વ્યાજની ગંભીર ચિંતા  રહેતી હોય છે, જે તેમની આવકનું મુખ્ય સાધન હોય છે. આ વર્ગની  લાંબા સમયથી  વ્યાજ વધારા તેમ જ અન્ય  રાહત માટેની માગ ઊભી હતી. જેને બજેટે ધ્યાનમાં લીધી નહીં. પણ હા, સિનીયર સિટીઝન્સ  સંબંધી યોજના માટે મોટી રકમ ફાળવીને કયાંક આશ્વાસન જેવી રાહત આપી છે.   સરકારે આ વર્ગ માટે  નકકર પગલાં ભરવાની જરૂર હતી.

કેપિટલ ગેઈન ટેક્સ રહયો, કિંતુ

મુડીબજારને  લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસની રાહતની આશા ખુબ હતી, જેને બજેટે નિરાશ કર્યા છે.  સંભવત તેનો સમય ગાળો લંબાવીને પણ રાહત આપી  શકાત ,કિંતુ બજેટે તે પરિબળની ઉપેક્ષા કરી છે, જો આ આશા ફળી હોત તો કમસે કમ સેન્સેકસ પાંચસો પોઈન્ટ ઓછો તુટયો હોત એવું  ધારી શકાય.  ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેકસ  દુર કરવાની  માગને બજેટે પુરી કરીને કંપનીઓને મોટી રાહત આપી છે. આ રાહત મ્યુચયુઅલ ફંડસને પણ મળશે. આ ઉપરાંત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની બોન્ડસમાં  રોકાણ મર્યાદા  વધારવાની અપેક્ષાને પણ પુરી કરાઈ છે. જેને પગલે બહુ જંગી વિદેશી રોકાણ આ માર્ગે ભારતમાં આવશે.

શિક્ષણ, સ્વાસ્થ્ય, વગેરે

બજેટે આ વખતે શિક્ષણ, સ્વાસ્થ્ય, જળ વ્યવસ્થા, સેનિટેશન, સ્વચ્છતા જેવી બાબતો પર વિશેષ ભાર મુકયો છે. જે સારી જાહેરાત છે. શિક્ષણ ક્ષેત્રમાં તો સરકારે સીધા વિદેશી રોકાણને પણ માર્ગ કરી આપ્યો છે. જેના દ્રારા સરકાર શિક્ષણનું સ્તર-ગુણવત્તામાં ધરખમ સુધારા લાવવા માગે છે. વિદેશોથી પણ લોકો અહીં અભ્યાસ માટે આવે એવું લક્ષ્ય પણ છે. આ સાથે ટુરિઝમ માટે પણ બજેટે કંઈક અંશે પ્રોત્સાહન આપ્યું છે.

ખાનગીકરણની  દિશામાં

એક ખાસ નોંધવા જેવી વાત એ છે કે સરકારે બેંકોના મર્જરનો મામલો આગળ વધારવાનું અને ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત નાણાં ઊભા કરવાનું પગલું પણ ભર્યુ છે. ભવિષ્યમાં સરકાર વધુને વધુ ખાનગીકરણ તરફ તેમ જ ખાનગી ભાગીદારી તરફ આગળ વધશે એવો સ્પષ્ટ નિર્દેશ આ બજેટમાં અપાયો છે. રેલ્વે સહિત ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં ખાનગી રોકાણ વિના આગળ વધવું સરકાર માટે કઠિન જ નહીં, અસંભવ પણ છે. આથી જ સરકારે આ મામલે વિદેશી –ખાનગી રોકાણને રાહત પણ આપી છે. મોબાઈલ થી માંડી ઈલેકટ્રોનિકસ સાધનો, મેડિકલ ડિવાઈસીસના ઉત્પાદનને પણ વેગ આપવાનો પ્લાન જાહેર થયો છે, જેમાં સફળતાની પણ ઊંચી શકયતા છે. ખાસ કરીને નેશનલ મોબાઈલ મેન્યુફકેચરિંગ સ્કીમનો પ્રસ્તાવ મહત્ત્વનો છે. આ જ રીતે ઓઈલ અને ગેસ માટે પણ પ્લાન છે. ટેકનોલોજી અને ઈનોવેશન સહિત સ્ટાર્ટઅપ્સ માટે પણ બજેટે મહત્ત્વાકાંક્ષી પ્લાન ઘડયા છે. નેશનલ લોજિસ્ટીક પોલીસી લાવવી, 100 નવા એરપોર્ટ બનાવવા, ઈલેકટ્રિસીટી બચત  સંબંધી યોજના પણ લાંબા ગાળાનું નકકર કદમ કહી શકાય.

સામાજીક કલ્યાણના માર્ગે

સામાજીક કલ્યાણ યોજનાના ભાગરૂપે બજેટે મહિલા, બાળકો, પછાત વર્ગ,વગેરે માટે પણ જંગી ફાળવણી કરી છે. આયુષમાન ભારત વિસ્તારવાની યોજના સાથે તેના લાભ  હેઠળ વધુ માંદગીઓને આવરી લેવાનું લક્ષ્ય પણ ઘડયું છે. સરકાર ઈઝ ઓફ લિવિંગ મારફત , સુર ક્ષિત માહોલ મારફત રાષ્ટ્રમાંખુશીનો માહોલ બનાવવા માગે છે. આ વિચાર સામે કેટલાંક ચોકકસ વર્ગ દ્રારા  સવાલ અને શંકા થઈ શકે છે.પરંતુ બજેટે આ લક્ષ્ય રાખ્યું છે એ હકીકત પણ જોવી જોઈશે.

એલઆઈસીનો આઈપીઓઃ અનોખી ઘટના

સરકારે બજેટમાં એલઆઈસીનો આઈપીઓ લાવવાની તેમ જ આઈડીબીઆઈ બેંકમાંથી પોતાનો હિસ્સો ઘટાડવાની જાહેરાત કરી તે નોંધપાત્ર ઘટના કહી શકાય. આ મારફત સરકાર પોતાના ખર્ચ માટે ભંડોળ  ઊભું કરશે અને રોકાણકાર વર્ગને એલઆઈસીના શેરમાં  જબરદસ્ત તક મળશે. જો કે એલઆઈસી આઈપીઓ લાવશે ત્યારે તેની સામે પારદર્શકતાના સવાલ ઊભા થવાની ભીતિ વ્યકત થઈ રહી છે, જેના  કારણ જાહેર છે, તેની સ્પષ્ટતાની જરૂર નથી. આ એક સંવેદનશીલ મુદો્ કહી શકાય.

બુલિયન એકસચેંજ  મહત્ત્વનું કદમ

લાંબા સમયથી ગોલ્ડ એકસચેંજની વાત ચાલતી હતી, આ બજેટે ગિફટ સીટીમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સર્વિસ સેન્ટર ખાતે નેશનલ બુલિયન સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે, જેની લાંબા ગાળાની  અસર જોવાશે. સોનાના ભાવ માટે ભારત મહત્ત્વનું કેન્દ્ર બની શકે એવી શકયતા આનાથી ઊભી થશે.

બજેટમાં કરાયેલી કેટલીક જાહેરાત વાયદા જેવી છે. તેનો નક્કર અમલ થાય તો જ સાર્થકતા છે. આવી વાતો અગાઉ પણ ઘણીવાર થઈ છે, આ વખતે સરકારે પરિણામ વહેલું લાવવું જોઈશે

આમ બજેટે ઘણું ઝીણું-ઝીણું આપ્યું છે , જે નરી આંખે દેખાશે નહીં, કિંતુ તેને સમજવું પડશે. સમજવા માટે સમય આપવો જોઈશે. માત્ર શેરબજાર તુટવાના કારણને લઈ બજેટને બુરું ગણાય નહીં.

(જયેશ ચિતલિયા – આર્થિક પત્રકાર)