‘સબકા સાથ સબકા વિકાસ’ની ભાવનાને અનુરૂપ ઉત્કૃષ્ટ બજેટ: આશિષ ચૌહાણ (BSE)

આશિષ ચૌહાણ (બીએસઈના મૅનેજિંગ ડિરેક્ટર-સીઈઓ)ના અભિપ્રાય મુજબ, સર્વ વર્ગોને સ્પર્શતું વિકાસલક્ષી બજેટ રજૂ થયું છે, જેમાં માગ અને રોજગારીમાં વૃદ્ધિ માટેની ભરપૂર જોગવાઈઓ કરવામાં આવી છે. આ એવું બજેટ છે, જેમાં દરેક માટે કોઈને કોઈ જોગવાઈ છે અને ‘સબકા સાથ, સબકા વિકાસ’ની ભાવનાને ચરિતાર્થ કરવાનો પ્રયત્ન છે.

ખેડૂતોને સોલર પંપ્સ, વિમા કવચ, ટેક્નૉલૉજીમાં રોકાણ અને અન્ય સુવિધાઓ પૂરી પાડી 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના હેતુ સાથેની પીએમ કુસુમ સ્કીમ, ફેરિયાઓને આરોગ્ય, શિક્ષણ અને વિકાસની સુવિધાઓ પૂરી પાડી સારું જીવનધોરણ પૂરું પાડવું અને પછાત વર્ગો માટેના કલ્યાણ માટે 85,000 કરોડ અને અન્ય પછાત વર્ગો માટે 53,700 કરોડ રૂપિયાની જોગવાઈ, વગેરે દર્શાવે છે કે સરકાર સર્વ વર્ગોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

વ્યક્તિગત આવક પરના વેરાના ઘટાડાને પગલે મધ્યમ વર્ગ પાસે વધુ આવક રહેશે. સીનિયર સિટિઝન અને દિવ્યાંગ માટેની ફાળવણી વધારીને 9,500 કરોડ કરાઈ છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય નોટિફાઈડ ક્ષેત્રોમાં સોવરિન વેલ્થ ફંડ્સના મૂડીરોકાણ પરના વિથહોલ્ડિંગ ટૅક્સનો પાંચ ટકાનો દર, વ્યાજખર્ચ, ડિવિડંડ અને કેપિટલ ગેઈન્સને સંપૂર્ણ કરમુક્તિને પગલે વિદેશી રોકાણકારોને પણ આકર્ષણ પૂરું પાડવામાં આવ્યું છે.

એમએસએમઈ ક્ષેત્રમાં વિલંબિત ચુકવણી અને રોકડ પ્રવાહના અસંતુલનને નિવારવા ઈન્વોઈસિંગ ફાઈનાન્સ પૂરું પાડવામાં આવશે.

ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સની નાબૂદી, ઓડિટની ટર્નઓવર મર્યાદા એક કરોડ રૂપિયાથી વધારીને પાંચ કરોડ રૂપિયા કરાઈ અને અમુક શ્રમલક્ષી ઉત્પાદનનો પરની કસ્ટમ્સ ડ્યુટી વધારાઈ એને પગલે ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ વધશે અને એમએસએમઈ વિશ્વની નિકાસ બજારમાં સ્પર્ધાત્મક બની રહેશે.

વેપાર સાહસિકતા અને સ્ટાર્ટ-અપ્સને ઉત્તેજન આપવા માટે ટર્નઓવરની લિમિટ રૂ।. 25 કરોડથી વધારીને રૂ।. 100 કરોડની અને ડિડક્શનના દાવા માટેનો સમયગાળો સાત વર્ષથી વધારીને 10 વર્ષનો કરવામાં આવ્યો છે.

શેરબજાર માટેની સારી દરખાસ્ત એ છે કે આઈડીબીઆઈ બેન્કમાંના હિસ્સાને સરકાર વેચી કાઢશે અને એલઆઈસીનો આઈપીઓ લાવશે.

આ સિવાય આઈએફએસસી ઝોનમાં બુલિયન એક્સચેન્જીસની સ્થાપના, રૂપી ડેરિવેટિવ્ઝ શરૂ કરવાની અને લિસ્ટેડ બોન્ડ્સ પરના વ્યાજ પરના વિથહોલ્ડિંગ ટૅક્સને પાંચ ટકાથી ઘટાડીને ચાર ટકાનો કરાયો, વેરાસંબંધિત વિવાદોમાં ઘટાડો કરવા માટેના માળખાને વિસ્તૃત કરવાની, એનબીએફસી, એચએફસી માટે પાર્શિયલ ગેરન્ટી સ્કીમ, આદિ અંગેની જોગવાઈઓ ધ્યાનાકર્ષક છે.

નૅશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન પ્રોજેક્ટ માટે રૂ।. 103 લાખ કરોડની જોગવાઈ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ કંપનીઓને ઈક્વિટી સપોર્ટ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવા માટે પણ પગલાં લેવામાં આવ્યાં છે. ટૂંકમાં, નાણાપ્રધાને ચાવીરૂપ ક્ષેત્રોના વિકાસ માટે ઉત્કૃષ્ટ બજેટ રજૂ કર્યું છે.