મુંબઈઃ એશિયાના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ BSEએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં મિશન યુથ હેઠળ નાણાકીય જાગૃતિ ફેલાવવા, આર્થિક વિકાસને ઉત્તેજન આપવા અને પર્યાવરણતરફી આજીવિકાને પ્રોત્સાહન આપવા જમ્મુ અને કાશ્મીર સરકાર સાથે સમજૂતી કરાર કર્યો છે. આ સમજૂતી કરાર પર BSEના પ્રતિનિધિઓ અને મિશન યુથના સીઈઓ ડો. સઈદ અબીદ રશીદ શાહ દ્વારા લેફટનન્ટ ગવર્નર મનોજ સિંહાની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
મિશન યુથ હેઠળ જમ્મુ અને કાશ્મીર સરકાર પ્રદેશમાં રોજગાર સર્જન માટેનું અનુકૂળ વાતાવરણ સર્જવા અને જરૂરી કૌશલની અછત પૂરવા સતત નીતિ અને વિધિ સંબંધિત ફેરફારો કરી રહી છે. આ પ્રસંગે બોલતાં લેફ્ટનન્ટ ગવર્નરે મનોજ સિંહાએ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર સરકાર અને BSE વચ્ચેના આ સહકારથી પ્રદેશના યુવાનોને લાભ થશે. BSE ઇન્સ્ટિટ્યૂટ બેન્કિંગ અને ફાઇનાન્સિયલ ટ્રેનિંગ ક્ષેત્રનું અગ્રણી નામ છે, જેના દ્વારા યુવાનો ફાઇનાન્સિયલ ક્ષેત્રની તાલીમ મેળવી રોજગાર પ્રાપ્ત કરવા માટે સક્ષમ બની શકશે. નાણાકીય જાગૃતિ ઉપરાંત અમે યુવાનોને સક્ષમ બનાવવાની શ્રેષ્ઠ ગ્લોબલ પ્રથાઓ અપનાવી રહ્યા છીએ, એમ લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું હતું.
આ પ્રસંગે BSEના એમડી અને સીઈઓ આશિષકુમારે કહ્યું હતું કે બીએસઈનું મિશન યુથ સાથેનું જોડાણ પ્રદેશના યુવા વર્ગને નાણાકીય વિશ્વ સંબંધિત તાલીમ પૂરી પાડી બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસ અને ઇન્સ્યુરન્સ ક્ષેત્રે જરૂરી કૌશલ વિકસાવશે.
મિશન યુથના સીઈઓ ડો. સઈદ અબીદ રશીદ શાહે કહ્યું કે આ જોડાણ મારફત પાત્ર ઉમેદવારો નાણાકીય જાગૃતિ કાર્યક્રમોમાં સામેલ થઈ શકશે, બેન્કિંગ અને ફાઈનાન્સિયલ માર્કેટ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સના સ્પેશિયલાઇઝ્ડ પ્રોગ્રામ્સમાં પણ યુવાનો જોડાઈ શકશે.