મુંબઈ તા.22 નવેમ્બર, 2021: બીએસઈ ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડે સોમવારથી સેબી અને ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન (આઈઓએસસીઓ)ના નેજા હેઠળ વર્લ્ડ ઈન્વેસ્ટર વીકની ઉજવણીનો પ્રારંભ કર્યો છે, જેનો હેતુ રોકાણકાર શિક્ષણ અને રક્ષણ પ્રતિ લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આ ઉજવણીના પ્રારંભ માટે યોજાયેલા કાર્યક્રમમાં સેબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જી.પી. ગર્ગ મુખ્ય મહેમાન તરીકે અને બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર આશિષકુમાર ચૌહાણ અને અન્ય સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જી.પી. ગર્ગે કહ્યું કે સિક્યુરિટીઝ માર્કેટનું એક મુખ્ય કામ બચતોને રોકાણમાં વાળી બધા હિત ધારકો માટે મૂડીસર્જન અને સંપત્તિસર્જન કરવાનું છે. એ હેતુ પાર પાડવા જાણકાર અને શિક્ષિત રોકાણકારો આવશ્યક છે. વર્લ્ડ ઈન્વેસ્ટર વીક જેવા ઈવેન્ટ્સ અને વિવિધ પ્રવૃત્તિઓની દૂરગામી અસરો છે, જે મૂડીબજારમાં રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવે છે.
બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે તાજેતરમાં રિટેલ રોકાણકારો મોટા પાયે બજારમાં પ્રવેશ્યા છે, જેને પગલે દેશની સર્વાંગી પ્રગતિ થઈ રહી છે. રોકાણકાર શિક્ષણ કાર્યક્રમો રોકાણકારોને રક્ષણ પૂરું પાડે છે અને વર્લ્ડ ઈન્વેસ્ટર વીક રોકાણકારોના વિશ્વાસને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. બીએસઈ આઈપીએફ દ્વારા યોજવામાં આવી રહેલા કાર્યક્રમોમાં બીએસઈની રોકાણકારોના રક્ષણ અને શિક્ષણ સહ મૂડીરોકાણ માટે યોગ્ય માહોલ સર્જવાના નિર્ધારનું પ્રતિબિંબ પડે છે.
બીએસઈ આઈપીએફના વડા, ખુશરો બલસારાએ કહ્યું કે બજારમાં મહામારીના સમયગાળા દરમિયાન રિટેલ રોકાણકારોને સામેલગીરીમાં મોટો વધારો થયો છે અને તેનું મુખ્ય કારણ સેબીએ કરેલા ઈ-કેવાયસી, સિક્યુરિટીઝના પ્લેજ, રિપ્લેજ વગેરે કરેલા સુધારાઓ છે, જેને પગલે રોકાણકારો માટે સલામત માહોલ સર્જાયો છે. આ ઉત્સાહ સાથે રોકાણ પૂર્વે યોગ્ય નિર્ણયો અને સંશોધન કરાય તો રોકાણકારો દેશની પ્રગતિના લાભ પ્રાપ્ત કરી શકે અને વિશ્વમાં નોંધપાત્ર શક્તિ તરીકે ઊભરી શકે.
વર્લ્ડ ઈન્વેસ્ટર વીકની ઉજવણીના પ્રારંભ તરીકે બીએસઈ આઈપીએફએ માર્કેટ સિમ્યુલેશન પેકેજ લોન્ચ કર્યું છે, જેનો વપરાશ વિદ્યાર્થીઓ, રોકાણકારોને ટ્રેડિંગ, માર્જિનિંગ, સેટલમેન્ટથી વાકેફ કરવા માટે અને સર્ટિફિકેટ પ્રોગ્રામ ઓન બેઝિક્સ ઓફ કેપિટલ માર્કેટ માટે કરવામાં આવશે.