‘બોબ બિશ્વાસ’ના રોલ માટે અભિષેકની પસંદગીનું કારણ

મુંબઈઃ આગામી હિન્દી ફિલ્મ ‘બોબ બિશ્વાસ’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રશંસકો એમાં ભાડુતી હત્યારા તરીકે અભિષેક બચ્ચનને જોઈને રોમાંચિત થઈ ગયા છે. એને કારણે આ ફિલ્મ માટે ઉત્કંઠા જાગી જ છે, પણ આ શિર્ષક રોલ માટે દિગ્દર્શકે અભિષેકની પસંદગી કેમ કરી એવા સવાલો પણ જાગ્યા છે. પ્રશંસકોને આ પહેલી જ વાર અભિષેક એવા રોલમાં જોવા મળ્યો છે જે અગાઉ ક્યારેય જોવા મળ્યો નહોતો. બોબ બિશ્વાસના લૂકમાં એ જરાય ઓળખાતો નથી. એ માથામાં અડધો ટકલુ છે અને ભારેખમ શરીરવાળો, મધ્યમ વયનો માણસ બન્યો છે. ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ પણ છે. ગૌરી શાહરૂખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ કંપની દ્વારા નિર્મિત આ ફિલ્મ 3 ડિસેમ્બરે ઝી-5 પર રિલીઝ થશે.

આ ફિલ્મ 2012માં આવેલી ‘કહાની’ ફિલ્મની આગળની કડી છે. ‘કહાની’માં બોબનું પાત્ર સાસ્વત ચેટર્જીએ ભજવ્યું હતું. સાસ્વતે તે ભૂમિકા સરસ રીતે ભજવી હતી. તે છતાં ‘બોબ બિશ્વાસ’માં શીર્ષક ભૂમિકા માટે અભિષેક બચ્ચનને લેવાની જાહેરાત નિર્માતા સુજય ઘોષે 2019માં જ કરી હતી. અભિષેકની પસંદગી વિશે સુજયે કહ્યું છે કે, ‘બોબ બિશ્વાસના રોલ માટે અમે એક નવા જ એક્ટરને લેવાનું નક્કી કર્યું હતું. મારે ‘કહાની’ ફિલ્મથી દૂર રહેવું હતું. કારણ કે આ ફિલ્મ એના જેવી નથી. આ ફિલ્મની વાર્તા જુદી છે. આ આખી નવા જ પ્રકારની ફિલ્મ છે. વળી, આ ફિલ્મનો ડાયરેક્ટર હું નથી. મારી પુત્રી દિયા અન્નપૂર્ણા ઘોષ છે. બોબ બિશ્વાસના પાત્ર માટે અભિષેકની પસંદગી એનો નિર્ણય છે. ‘કહાની’માં બોબનું પાત્ર માત્ર આઠ મિનિટનું જ હતું, જ્યારે આ ફિલ્મમાં આખી વાર્તા એની પર છે.’