બીએસઈના મંચ પરથી ટર્મ-લાઇફ પ્લાનનું વિતરણ શરૂ

મુંબઈઃ બીએસઈ ઈબિક્સ ઇન્સ્યૉરન્સ બ્રોકિંગ પ્રા. લિમિટેડે પોતાના અત્યાધુનિક મંચ પરથી આઇસીઆઇસીઆઇ પ્રુડેશન્શિયલ લાઇફ ઇન્સ્યૉરન્સ કંપની લિમિટેડનો ટર્મ ઇન્સ્યૉરન્સ પ્લાન ઑફર કરવાનો પ્રારંભ કર્યો છે. હવે બીઈસઈ ઈબિક્સનાં હજારો પોઇન્ટ ઑફ સેલ પર્સન્સ મારફતે સમગ્ર દેશમાં જીવન વીમાના ટર્મ અને ઇન્ડોવમેન્ટ પ્લાન વેચી શકાશે.

નોંધનીય છે કે બીએસઈ અને ઈબિક્સ ફિનકોર્પ એક્સચેન્જે સંયુક્ત સાહસરૂપે બીએસઈ ઈબિક્સ ઇન્સ્યૉરન્સ બ્રોકિંગ પ્રા. લિ.ની સ્થાપના 7 ફેબ્રુઆરી, 2020ના રોજ કરી હતી. તેનો પ્રારંભ પ્રાઇવેટ કાર અને ટુ-વ્હીલર ઑટો ઇન્સ્યૉરન્સનું વેચાણ કરવા સાથે થયો હતો. આજની તારીખે જનરલ ઇન્સ્યૉરન્સની સાત તથા હેલ્થ ઈન્સ્યૉરન્સની બે અને લાઇફ ઈન્સ્યૉરન્સની ત્રણ કંપનીઓ ઈબિક્સ મંચનો ઉપયોગ કરી રહી છે. કંપનીએ 8,000 કરતાં વધુ પોઇન્ટ ઑફ સેલ પર્સન્સની નોંધણી કરી છે. તેમાંથી 4,021ને બિઝનેસ કરવા માટે પ્રમાણિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પ્રીમિયમની દૃષ્ટિએ બીએસઈ ઈબિક્સ ઇન્સ્યૉરન્સની વૃદ્ધિ દર મહિને 35 ટકાના હિસાબે થઈ છે.

બીએસઈના મૅનેજિંગ ડિરેક્ટર-ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષકુમાર ચૌહાણે જણાવ્યા મુજબ બીએસઈ ઈબિક્સ મંચનો વિસ્તાર કરીને હવે પ્રાઇવેટ કાર, ટુ-વ્હીલર, હેલ્થ ઇન્સ્યૉરન્સ, ટ્રાવેલ ઇન્સ્યૉરન્સ, એન્ડોવમેન્ટ તથા ટર્મ લાઇફ ઇન્સ્યૉરન્સ પ્લાન ઑફર કરવામાં આવી રહ્યા છે.

ઈબિક્સના ગ્રુપ ચૅરમૅન અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રોબિન રૈનાએ કહ્યું છે કે તેમના આ મંચ પર એકંદરે 12 વીમા કંપનીઓની પ્રૉડક્ટ્સ ઑફર કરવામાં આવી રહી છે. ક્રિકેટમાં આઇપીએલની એક ફ્રેન્ચાઇઝ માટે પોલિસી ઇસ્યૂ કરીને કંપનીએ હવે ખેલકૂદ વીમા ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. બીએસઈ અને ઈબિક્સ ભેગાં મળીને સમગ્ર દેશમાં વીમાનું વિતરણ કરવાનું કાર્ય વધુ સારી રીતે પાર પાડી શકે એમ છે. આગામી દિવસોમાં વિવિધ પ્રકારના ગ્રાહકોની અલગ અલગ જરૂરિયાતો સંતોષનારી પ્રોડક્ટ્સ બહાર પાડવામાં આવશે.