ટોકિયોઃ એક નવા જનમતના તારણ મુજબ 30 ટકાથી વધુ જાપાની લોકોની એવી ઈચ્છા છે કે કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ અને પેરાલિમ્પિક (દિવ્યાંગો માટેની) ગેમ્સને રદ કરી દેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ટોકિયો ઓલિમ્પિક્સ મૂળ કાર્યક્રમ મુજબ આ વર્ષના જુલાઈ-ઓગસ્ટમાં યોજાવાની હતી, પરંતુ કોરોના વૈશ્વિક રોગચાળાને કારણે એને 2021 સુધી મુલતવી રાખવામાં આવી છે.
જાપાનની સરકાર સંચાલિત બ્રોડકાસ્ટર કંપની એનએચકે દ્વારા ટેલિફોનના માધ્યમથી સર્વે કરાયો હતો. 1,200થી વધારે લોકોએ એમાં ભાગ લીધો હતો. એમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક ગેમ્સને 2021માં યોજવી જોઈએ કે નહીં? 27 ટકા લોકોએ કહ્યું કે યોજવી જોઈએ, 32 ટકા લોકોએ કહ્યું કે રદ કરવી જોઈએ અને 31 ટકા લોકોએ કહ્યું કે હજી વધારે સમય માટે મુલતવી રાખવી જોઈએ.