ન્યૂયોર્કઃ ગૂગલ કંપનીમાં હાલમાં કરાયેલી છટણીને પગલે કર્મચારીઓએ સોશ્યલ મીડિયા પર રોષની લાગણી વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે. કેટલાક કર્મચારીઓએ એવી માગણી કરી છે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ગૂગલ અને પિતૃ કંપની આલ્ફાબેટના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર સુંદર પિચાઈને જ કાઢી મૂકવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, સિલિકોન વેલીસ્થિત ગૂગલ કંપનીએ આશરે 12,000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાના લીધેલા નિર્ણયને પગલે કર્મચારીઓને આઘાત લાગ્યો છે. ભાવુક થયેલા કર્મચારીઓને સુંદર પિચાઈએ એક ઈમેલ મોકલ્યો છે અને લખ્યું છે કે આ નિર્ણય બદલ હું મનથી ખેદ વ્યક્ત કરું છું અને કંપનીના આ નિર્ણયની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું.
આ પત્ર બાદ કેટલાક ટેક લીડર્સ અને છટણીમાં સામેલ કરાયેલા કર્મચારીઓએ સવાલ ઉઠાવ્યો છે કે જો આ નિર્ણય માટે પિચાઈ જવાબદાર હોય તો એમણે સૌથી પહેલાં એમણે પોતે જ એમનું પદ કેમ નથી છોડ્યું?