મુંબઈઃ ફેડરલ રિઝર્વ આગામી થોડા મહિનાઓમાં વ્યાજદરમાં વધારો કરવા લાગશે એવી ધારણા છે. વર્ષ 2018 પછી પહેલી વાર અમેરિકાની આ કેન્દ્રીય બૅન્ક નીતિવિષયક વ્યાજદરમાં વધારો કરશે એવી શક્યતાને પગલે સ્ટૉક્સથી લઈને ક્રીપ્ટોકરન્સી સુધીની વધુ જોખમ ધરાવતી ઍસેટ્સના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આ સંભાવનાને અનુલક્ષીને શુક્રવારે બિટકોઇનના ભાવમાં ઘટાડો થયો હતો અને પાછલા દિવસની સંપૂર્ણ વૃદ્ધિ ધોવાઈ ગઈ હતી. જોકે, આ અગ્રણી ક્રીપ્ટોકરન્સી 40,000થી 44,000 ડૉલરની પોતાની ગત થોડાં સપ્તાહોની ટ્રેડિંગ રૅન્જની અંદર રહી હતી.
બિટકોઇનની સાથે સાથે અન્ય મોટી ઓલ્ટરનેટિવ ક્રીપ્ટોકરન્સીના ભાવમાં પણ ઘટાડો થયો હતો. આ બધા વચ્ચે ફક્ત ડોઝકોઇનમાં નોંધનીય વૃદ્ધિ થઈ હતી. ઈલેક્ટ્રિક કાર ટેસ્લાના સ્થાપક ઈલોન મસ્કે કંપની દ્વારા ટેસ્લા મર્ચન્ડાઇઝ સામે ડોઝકોઇનનો સ્વીકાર થતો હોવાનું કહ્યું તેને પગલે એમની આ ફેવરિટ ક્રીપ્ટોકરન્સીના ભાવમાં વધારો થયો હતો.
શુક્રવારે બપોરે ચાર વાગ્યા સુધીમાં બિટકોઇનના ભાવમાં 2.6 ટકાનો ઘટાડો થઈને ભાવ 42,616 ડૉલર થયો હતો, જ્યારે એથેરિયમમાં પણ એટલા જ ટકાના ઘટાડા સાથે ભાવ 3,265 ડૉલર થયો હતો. ક્રીપ્ટોકરન્સીનું કુલ માર્કેટ કૅપ પણ 2.6 ટકા ઘટીને 2.03 ટ્રિલ્યન ડૉલર રહ્યું હોવાનું કોઇનમાર્કેટકૅપ પરના ડેટા દર્શાવે છે.
આ જ સમયે IC15 ઇન્ડેક્સ 3.03 ટકા (2,039 પોઇન્ટ) ઘટીને 65,292.45 પોઇન્ટ બંધ રહ્યો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
67,331 પોઇન્ટ | 68,094 પોઇન્ટ | 64,939 પોઇન્ટ | 65,292 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 14-1-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |
————————–