કેશની તંગીથી કંટાળેલા બેન્ક કર્મચારીઓ હડતાળ પર જવા વિચારે છે

મુંબઈ – કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેન્કની બિનકાર્યક્ષમતાથી કંટાળેલા દેશના લાખો બેન્ક કર્મચારીઓ હડતાળ પર જવાનો નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરે એવી ધારણા છે.

દેશના અનેક રાજ્યોના અનેક શહેરોમાં એટીએમ મશીનોમાં રોકડ રકમની તંગીને કારણે બેન્ક કર્મચારીઓ અકળાઈ ગયા છે અને ઘણી જગ્યાએ ગ્રાહકોના રોષનો ભોગ બની રહ્યા છે તેથી પાંચ લાખ જેટલા બેન્ક કર્મચારીઓ હડતાળ પર જવા વિચારે છે.

ઓલ ઈન્ડિયા બેન્ક્સ એમ્પલોઈઝ એસોસિએશન (AIBEA)ના મહામંત્રી વેંકટચલમનું કહેવું છે કે સરકાર કે રિઝર્વ બેન્કની નિષ્ણતાનો દોષ અમારી પાર નાખવો ન જોઈએ. ગ્રાહકોને જ્યારે ઈચ્છા થાય ત્યારે પૈસા ઉપાડવાનો અધિકાર છે. એ પૈસા ન મળે તો તેઓ અપસેટ થાય એ પણ સ્વાભાવિક છે. પરંતુ સરકારની નિષ્ફળતા માટે કર્મચારીઓને ભોગવવું પડે એ યોગ્ય ન કહેવાય.

છેલ્લા અમુક મહિનાઓથી દેશભરમાં એટીએમ મશીન્સ ખાલી થયેલા હોવાની ફરિયાદો મળી છે. ગુજરાત, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, મણીપુર જેવા રાજ્યોમાં પરિસ્થિતિ વધારે ખરાબ છે. અનેક એટીએમના દરવાજાઓ પર કે બેન્કોના કાઉન્ટર્સ પર ‘નો કેશ’ના પાટિયા મૂકેલા દેખાય છે.

AIBEAની સ્થાપના 1946માં કરવામાં આવી હતી. તે ભારતના બેન્ક કર્મચારીઓના સંઘની સૌથી જૂની અને સૌથી મોટી સંસ્થા છે. તેના પાંચ લાખ જેટલા સભ્યો છે.