મુંબઈઃ અમેરિકાની ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય અને આઈફોન ઉત્પાદક એપલ કંપની ભારતમાં આવતા ચાર-પાંચ વર્ષમાં તેના ઉત્પાદન પાંચ ગણું વધારીને તેનો આંક 40 અબજ ડોલર (આશરે 3.32 લાખ કરોડ રૂપિયા) સુધી વધારવા ધારે છે.
ભારતમાં એપલ કંપનીના ઉત્પાદનનો આંક ગયા નાણાકીય વર્ષમાં 7 અબજ ડોલરને પાર કરી ગયો હતો. હવે તે આવતા ચાર-પાંચ વર્ષમાં આ આંકડો 40 અબજ ડોલર પર પહોંચાડવા માગે છે. એપલ કંપની આવતા વર્ષથી ભારતમાં એરપોડ્સનું ઉત્પાદન પણ શરૂ કરવા ધારે છે. જોકે આઈપેડ કે લેપટોપ્સનું ભારતમાં ઉત્પાદન શરૂ કરવાની તેની હાલમાં કોઈ યોજના નથી.
એપલ ભારતમાંથી મોબાઈલ ફોનની સૌથી મોટી નિકાસકાર બની છે. તેણે એના નવી આઈફોન-15 શ્રેણીના સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યા છે જેનું મુંબઈ અને દિલ્હીમાં ધૂમ વેચાણ થયું છે. તેણે આઈફોન-15ના ચાર મોડેલ લોન્ચ કર્યા છે. આમાંના બે વેરિઅન્ટ – આઈફોન 15 અને આઈફોન 15-પ્લસ ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે.