નવી દિલ્હીઃ દેશમાં ગ્રામીણ ભારતમાં દરેક પરિવાર પર સરેરાશ રૂ. 60,000નું દેવું છે, જ્યારે શહેરી ભારતમાં પ્રતિ પરિવાર પર સરેરાશ આશરે રૂ. 1.2 લાખનાં દેવાં છે. ગ્રામીણ ભારતમાં 35 ટકા પરિવારો પર દેવાંનો ભાર છે, જ્યારે શહેરી ભારતમાં એ માત્ર 22 ટકા પરિવાર પર દેવાંનો ભાર છે, એમ NSOનો એક અહેવાલ કહે છે.
ગ્રામીણ ભારતમાં જે પરિવાર કૃષિ આધારિત છે તેમના પર સરેરાશ રૂ. 74,460નું દેવું છે, જ્યારે બિનકૃષિ પરિવાર પર સરેરાશ રૂ. 40,432નાં દેવાં છે. વળી, શહેરી ભારતમાં સેલ્ફ-એમ્પ્લોઇડ પર સરેરાશ રૂ. 1.8 લાખનાં દેવાં છે અને અન્ય હાઉસહોલ્ડ પર એ રૂ. 99,353નાં દેવાં છે. ગ્રામીણ ભારતમાં દેવાંનો 66 ટકા હિસ્સો ઇન્સ્ટિટ્યુશનલ ક્રેડિટ એજન્સી જેવી કે બેન્કો, નાણાસંસ્થાઓના માધ્યમોથી છે, જ્યારે 34 ટકા દેવાં બિનસંસ્થાકીય એજન્સીઓ-ખાનગીમાંથી છે. જોકે શહેરી ભારતમાં બિનસંસ્થાકીય એજન્સીઓથી દેવાં 13 ટકા છે, તો 87 ટકા દેવાં વિવિધ સંસ્થાઓમાંથી (લોન) કરવામાં આવ્યાં હતાં.
ગ્રામીણ વિસ્તારોમાં સરેરાશ ખેડૂત પરિવાર પાસે રૂ. 22 લાખની અસ્ક્યામતો છે, જ્યારે બિનખેડૂત પાસે તેનાથી ત્રીજા ભાગની રૂ. 7.8 લાખની અસ્ક્યામતો છે, જ્યારે શહેરી વિસ્તારમાં સેલ્ફ-એમ્પ્લોઇડ પરિવાર પાસે સરેરાશ રૂ. 41.5 લાખની અસ્ક્યામતો છે, જ્યારે અન્ય પરિવારો પાસે સરેરાશ રૂ. 22.1 લાખની અસ્ક્યામતો છે. NSOના ઓલ ઇન્ડિયા ડેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સર્વે જાન્યુઆરીથી ડિસેમ્બર, 2019 દરમ્યાન કરવામાં આવ્યો હતો.