મુંબઈઃ એમેઝોન કંપની તેના પ્રાઈમ મેમ્બરશિપ પ્લાનની વાર્ષિક લવાજમ કિંમત રૂ. 999થી વધારીને રૂ. 1,499 કરશે. એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ, જેમાં એમેઝોન પ્રાઈમ વિડિયો અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ચીજવસ્તુઓની એક-જ-દિવસમાં ડિલીવરી સેવાનો સમાવેશ થાય છે, તેની માસિક તથા ત્રિમાસિક લવાજમ ફીમાં પણ વધારો કરવામાં આવનાર છે. એમેઝોને અગાઉ જાહેરાત કરી હતી કે ભારતમાં પ્રાઈમ મેમ્બરશિપના ત્રિમાસિક પ્લાનની કિંમત રૂ. 329થી વધારીને રૂ. 459 કરાશે અને માસિક પ્લાનની કિંમત રૂ. 129થી વધારીને રૂ. 179 કરાશે.
એમેઝોનની સત્તાવાર વેબસાઈટ પર મૂકેલા લખાણમાં વાંચી શકાય છે કે, એમેઝોન દ્વારા હાલ ચલાવાતી મર્યાદિત સમયગાળાની ઓફરના ભાગરૂપે તમે જૂની કિંમતે પ્રાઈમમાં જોડાઈ શકો છો. અમારી તમને સલાહ છે કે ઓફર પૂરી થાય એ પહેલાં તેને રીન્યૂ કરી લો અતવા પ્રાઈમ મેમ્બરશિપ શક્ય એટલી જલદી ખરીદી લો. કંપનીના જણાવ્યા મુજબ, નવી કિંમત 14 ડિસેમ્બરથી અમલમાં આવશે. એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ અંતર્ગત ગ્રાહકોને એમેઝોનના OTT પ્લેટફોર્મ પ્રાઈમ વિડિયોનો એક્સેસ મળે છે.