મુંબઈઃ ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે કહ્યું છે કે હાલ દેશના આઠ શહેરોમાં 5G નેટવર્કને કમર્શિયલ ધોરણે શરૂ કર્યાના 30 દિવસની અંદર જ તેના ગ્રાહકોનો આંક 10 લાખને પાર થયો છે. કંપનીએ કહ્યું છે કે હજી તો એનું 5G નેટવર્ક બની રહ્યું છે ત્યાં જ એના ગ્રાહકોનો આંક આટલો બધો વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે એરટેલે પહેલા તબક્કામાં તેની 5G ટેલિકોમ સેવાઓ મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, સિલિગુડી, નાગપુર અને વારાણસી શહેરોમાં શરૂ કરી છે.
ભારતી એરટેલના ચીફ ટેક્નોલોજી ઓફિસર રણદીપ સેખોનનું કહેવું છે કે ગ્રાહકોનો પ્રતિસાદ ખૂબ જ ઉત્સાહપ્રેરક છે. એપલના આઈફોન્સને બાદ કરતાં તમામ 5G એનેબલ્ડ સ્માર્ટફોન્સ આ મહિનાના મધ્ય ભાગ સુધીમાં એરટેલની 5G સેવાને સપોર્ટ કરતા થઈ જશે. કંપની 4G ના દરોએ જ 5G સેવા પૂરી પાડી રહી છે. નવા દર તે આગામી 6-9 મહિનામાં જાહેર કરશે એવી ધારણા છે.