300 ‘નેરો-બોડી’ વિમાન ખરીદવાનો એર ઈન્ડિયાનો પ્લાન

નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની અને ટાટા ગ્રુપની માલિકીની એરલાઈન એર ઈન્ડિયા 300 જેટ વિમાનો ખરીદવા વિચારે છે. આ વિમાન કદમાં પાતળા હશે. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ, આ નેરોબોડી વિમાન કાં તો એરબસના A320-નીઓ શ્રેણીના હશે અથવા બોઈંગ કંપનીના 737-મેક્સ મોડેલના હશે અથવા બંનેના થોડાક-થોડાક હશે.

ટાટા ગ્રુપ આ વિમાનોની ખરીદી માટે 40.5 અબજ ડોલરની રકમ જેટલો સોદો કરવા ધારે છે અને તે કમર્શિયલ એવિએશનની દુનિયામાં આ પ્રકારનો સૌથી મોટો સોદો હશે. ટાટા ગ્રુપ તેના વિમાનોના કાફલામાં ધરમૂળથી ફેરફાર કરવા માગે છે. આ સોદો મેળવવામાં અમેરિકાની બોઈંગ અને ફ્રાન્સની એરબસ કંપનીઓ વચ્ચે હરીફાઈ થશે. ભારતના આકાશમાં એરબસના વિમાનો વધારે ઉડે છે તેથી 300 નેરોબોડી વિમાનોનો ઓર્ડર મળશે તો બોઈંગ માટે મોટી વાત ગણાશે.